રાજકોટ: મારવાડી યુનિવર્સિટીમાથી મળી આવેલા છોડ ગાંજાના છે, એફએસએલના રિપોર્ટમાં ખુલાસો

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં મળી આવેલ છોડ ગાંજા ના હોવાનું સામે આવ્યું છે. એફએસએલના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. આ રિપોર્ટ આવ્યા બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મારવાડી કોલેજના કેમ્પસના સી વિંગની બિલ્ડીંગ પાસેથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.

કુવાડવા પોલીસ મથકમાં અજાણીયા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે NDPS હેઠળ ફરિયાદ નોંધાઈ છે. NDPS કલમ 8 (C ) 20 (B) 2 (B) હેઠળ ફરીયાદ નોંધવામાં આવી છે. કુવાડવા પોલીસ મથકના પી.આઈ. ફરિયાદી બન્યા છે.

રાજકોટની હાઈપ્રોફાઈલ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો હતો પોલીસને યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેને તપાસ માટે FSLમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગાંજાના છોડ કોણે વાવ્યા, બિયારણ કેવી રીતે લવાયું, તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 

ગાંજાના છોડ પકડાયા બાદ યુનિવર્સિટીના સત્તાધિશોએ પોલીસ પર દબાણ લાવી મામલો રફેદફે કરવાની કોશિશ કરી હતી.  મારવાડી યુનિવર્સિટીમાં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચર્ચા છે કે, આફ્રિકા અને નાઈઝિરિયાના વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું સેવન કરતા હોય છે.  જે વિસ્તારમાંથી ગાંજાના છોડ મળ્યા તે વિસ્તારમાં બોયસ હોસ્ટેલ આવેલી છે, જ્યાં નાઈઝિરિયન વિદ્યાર્થીઓ રહે છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગાંજાના છોડ મળવા બાબતે SITની રચના કરવામાં આવી હતી.