- “ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન”ના બોર્ડ લગાવી ઠાલવી પીડા
રાજકોટમાં વરસાદને કારણે રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડા અને ભૂવાથી શહેરીજનો ત્રાહિમામ છે. રોજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકોને ભારે સંભાળીને ચલાવવુ પડે છે. એક ખાડાથી બચવા જાય ત્યાં બીજો ખાડો મોં ફાડીને સ્વાગત કરતો હોય તેમ લોકો ખાડામાંથી વાહનો ચલાવવા મજબુર બન્યા છે. રાજકોટના હાર્દ સમા નવા ડેવલપિંગ વિસ્તાર વગડ ચોકડી રોડની પણ આ જ દશા છે અને સમગ્ર રોડ જ ખાડાગ્રસ્ત બન્યો છે.
અહીંથી નીકળવામાં લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. અહીંથી વાહન લઈને નીકળવુ એટલે સામે ચાલીને અકસ્માતને નોતરવા જેવુ છે. આટલી હદે બિસ્માર રસ્તો હોવા છતા તંત્રના અધિકારીઓ ઓફિસોમાંથી બહાર નીકળીને જોવાની તસ્દી પણ નથી લઈ રહ્યા. વારંવારની રજૂઆત બાદ ત્રાહિમામ થયેલા આ વિસ્તારના સ્થાનિકોએ આજે આ બિસ્માર રસ્તા બાબતે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો.
કેબિનેટ મંત્રી ભાનબેન બાબરિયાના મતવિસ્તારમાં આવતા આ વોર્ડમાં સ્થાનિકોએ રસ્તા પર બોર્ડ લગાવ્યા છે. લોકોએ “ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન”ના બોર્ડ લગાવી ભાજપના સદસ્યતા અભિયાનની પણ ઠેકડી ઉડાડી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે આ વોર્ડના લોકોએ ભાજપને સૌથી વધુ મત આપી જીત અપાવી છે પરંતુ છતા હાલ ભાજપના સત્તાધિશો તેમનુ સાંભળવા તૈયાર નથી કે ના તો તેમનુ કોઈ કામ કરી રહ્યા છે.
ભાજપના સદસ્યતા અભિયાન સામે પણ સ્થાનિકોએ કટાક્ષ કર્યો કે એક્તરફ જનતા હાલાકી વેઠી રહી છે અને ભાજપને તેની સદસ્યતા વધારવાની પડી છે. અહીંના મંત્રી, ધારાસભ્યો, સાંસદો કે કોર્પોરેટરો કોઈને જનતાની સમસ્યાની જાણે કંઈ પડી જ નથી. સત્તાધિશોની આ પ્રકારની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારોભાર આક્રોષ છે. હાલ તેઓ બોર્ડ લગાવીને તેમની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.સ્થાનિકોનું ત્યા સુધી કહેવુ છે કે જ્યારે ફરિયાદ કરીએ એટલે ૫૦૦ રૂપિયાનુ કપચીનું ટ્રેક્ટર મોકલી ઢગલો કરી જાય છે.
આટલી હદે રસ્તા બિસ્માર બન્યા હોવા છતા કોઈ અધિકારીએ ઓફિસમાંથી બહાર નીકળી જોવાની પણ તસ્દી નથી લીધી કે કામગીરી થઈ કે નથી. આ માત્ર આ વર્ષની સમસ્યા નથી. દર વર્ષે આ જ હાલાકી સર્જાય છે. કરોડોનો ટેક્સ વસુલતા સત્તાધિશો જનતાને સુવિધા આપવામાં પાછીપાની કરી રહ્યા છે. તેમના ગેરવહીવટને લીધે જનતાના પૈસાનું આંધણ થઈ રહ્યુ છે. સ્થાનિકોની ફરિયાદ છે કે બહુ રાવ કરશુ તો માત્ર કપચીનું ટ્રેક્ટર નાખીને ફરિયાદ ક્લોઝ કરી દેશે. ૧૦ વર્ષથી આ વિસ્તારના લોકો આમ જ હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ તંત્રમાંથી કોઈ જોવા સુદ્ધા ડોકાતુ નથી. નેતાઓને પ્રજાની સમસ્યા દૂર કરવામાં કોઈ રસ નથી.
અહીં સ્કૂલે જતા બાળકો પણ અનેકવાર અકસ્માતનો ભોગ બને છે. દોઢ કિલોમીટરના રોડ પર ઠેર ઠેર ખાડા છે. વાહનોને પણ નુક્સાન પહોંચી રહ્યુ છે. રોજ કોઈને કોઈ વ્યક્તિ અહીં અકસ્માતનો ભોગ બને છે. હાલ સ્થાનિકોએ “ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન” શરૂ કરી હવે તંત્ર કે સરકારના ભરોસે ન રહેવા અને જાતે આગળ આવી રસ્તો રિપેર કરવાનું નક્કી કર્યુ છે. હાલ રસ્તો બિસ્માર હોવાથી વાલીઓએ બાળકોને સ્કૂલે લેવા મુકવા જવુ પડે છે. આ અગાઉ અહીં વાહન લઈને સ્કૂલે જતી ત્રણ દીકરીઓ પડી જવાથી ઈજાગ્રસ્ત થઈ હતી. ૧૫, ૧૬ વર્ષના બાળકો અહીંથી સાયકલ લઈને નીકળી શકે તેમ જ નથી. આથી પારાવાર પરેશાની છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ભોગવી રહ્યા છે.