રાજકોટમાં ટાઇમર બોમ્બથી બ્લાસ્ટ: મોબાઇલની દુકાનમાં આગમાં મોટો ઘટસ્ફોટ

  • ધંધાની હરીફાઈને કારણે કાવતરું ઘડ્યું, ૩ની અટકાયત

રાજકોટ,રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગત ૭ એપ્રિલને ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાથી આગ ભભૂકી?, પાર્સલ મૂકી જનારી મહિલા કોણ? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં આજે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાયો હતો. ધંધાકીય હરીફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો.

ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામ ચૌધરીએ ગત ૭ તારીખને શુક્રવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે ગુરુવારે મધરાતે તેની દુકાનમાં લાગેલી આગ એ અકસ્માત નહીં, પરંતુ ષડ્યંત્ર હતું. ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલા પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામે એ પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે એ પાર્સલમાંથી ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પાર્સલ મૂકી જનારી મહિલા કેમેરામાં દેખાઇ હતી. તેણે મોઢે દુપટ્ટો વીંટ્યો હોવાથી તેની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી.

આ દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી. ગોહિલને મહત્ત્વની હકીક્ત મળી હતી અને એસટી બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરીની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળાને ઉઠાવી લીધા હતા. પૂછપરછમાં પાર્સલ મૂકી જનારી ત્યક્તા ડોલી નામની મહિલીનું નામ ખૂલ્યું હતું અને પોલીસે તેને પણ ઉઠાવી લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભવારામ અને કાલારામ બંને રાજસ્થાની છે અને બંને વ્યક્તિ ભાડાની દુકાન ધરાવે છે. બંનેની દુકાનનો માલિક એક જ વ્યક્તિ હોઈ, ધંધાકીય હરીફાઇમાં ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામે બસપોર્ટ પાસેની દુકાન કાલારામ પાસેથી ખાલી કરાવી તેણે પોતાને ભાડે આપવા દુકાનમાલિક પાસે પ્રયાસ કર્યા હતા. ધંધો છીનવવા અને ભવારામને આથક નુક્સાન પહોંચાડવા કાલારામ અને તેના સાળા શ્રવણે કાવતરું રચ્યું હતું. બંનેએ સૂતળી બોમ્બનો દારૂગોળો કાઢી એને એક કોથળીમાં નાખ્યો હતો અને એમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યો હતો અને એમાં ટાઇમ સેટ કર્યો હતો. બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કાલારામે પોતાની દુકાનેથી છૂટકમાં મોબાઇલ એસેસરી લઇ જઇને પોતાની રીતે વેપાર કરતી ડોલીને પોતાના કાવતરામાં સામેલ કરી હતી અને બોમ્બવાળું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાની ભૂમિકા તેને સોંપી હતી. ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે એ બોમ્બ ફૂટ્યો હતો.

રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઈ ગઈ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાંથી આગ ભભૂકી?, પાર્સલ મૂકી જનારી મહિલા કોણ? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને દુકાનમાં બોમ્બબ્લાસ્ટ કર્યાનું ખૂલ્યું છે.

ગુંદાવાડી પોલીસચોકીની સામે આવેલી ગુજરાત મોબાઇલની નામની દુકાનમાં ગુરુવારે સાંજના સમયે એક અજાણી મહિલા આવી હતી અને મોબાઇલની એસેસરીઝ વિશે થોડી વાતચીત કર્યા બાદ પોતાની પાસે રહેલું પાર્સલ થોડીવાર માટે રાખવાનું કહી પોતે ખરીદી કરીને થોડી જ વારમાં પરત આવે છે એવી વાત દુકાનમાલિક સાથે કરી હતી અને પાર્સલ દુકાને મૂકી તે રવાના થઈ હતી. વધુ સમય વીતવા છતાં એ મહિલા પરત આવી નહોતી, દુકાન બંધ કરવાનો સમય થયો, પરંતુ મહિલા પાર્સલ લેવા નહીં આવતાં દુકાનમાલિકે પાર્સલ સાચવીને દુકાનમાં રાખી દીધું હતું. જોકે રાત્રે પાર્સલમાં રહેલો ટાઇમર બોમ્બ બાસ્ટ થયો હતો.

એ બાદ રાત્રિના સમયે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી, દુકાનમાં આગ લાગ્યાની જાણ થતાં દુકાનમાલિક સહિતનાઓ દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી, આગમાં મોબાઇલ એસેસરીઝનો મોટો જથ્થો સળગીને ખાખ થઈ ગયો હતા. આગ બુઝાયા બાદ દુકાનમાલિકે પોલીસને જાણ કરી હતી.