- રાજકોટ રેલવે ડિવિઝનને એક જ વર્ષમાં ટિકીટ ચેકીંગ દ્વારા રૂપિયા ૧૨.૨૬ કરોડની આવક પ્રાપ્ત થઈ
રાજકોટ,રેલવે સુવિધા એ આપણાં ભારત દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ટ્રાન્સપોર્ટેશન છે. દેશ ભારમાંથી દરરોજ હજારો ટ્રેનો દોડે છે અને કરોડો લોકો દરરોજ આ ટ્રેનોમાં મુસાફરી કરે છે. એક આકડા મુજબ ભારતમાં દરરોજ ૨ કરોડથી વધુ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ આંકડો વિશ્ર્વના કેટલાય દેશોની વસ્તી કરતા પણ વધારે હશે. જેથી ભારતમાં ટ્રેન એ ટ્રાન્સપોર્ટેશનનું સૌથી લોકપ્રિય માયમ માનવામાં આવે છે.
ટ્રેન મુસાફરી અન્ય મુસાફરી કરતા ઘણી સસ્તી પડે છે. એટલે જ મોટા ભાગના લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે.પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેને આ સસ્તી મુસાફરી પણ મોંઘી લાગી રહી હોય છે. અને ટિકિટ વગર જ તેઓ ટ્રેનમા બિન્દાસ્ત મુસાફરી કરતા હોય છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં મોટી સંખ્યામાં લોકોને વિના ટિકિટે ઝડપી પાડ્યા છે. કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકો સામે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેના પરિણામ રૂપે રાજકોટ રેલવે ડિવિઝનને એક જ વર્ષમાં ટિકીટ ચેકીંગ દ્વારા રૂપિયા ૧૨.૨૬ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જે ગયા વર્ષની સરખામણીએ પ્રાપ્ત થયેલા ૭ કરોડ કરતાં ૭૨% વધુ છે. ૨૦૨૨-૨૩માં ટિકિટ વિના મુસાફરી કરતા કુલ ૧ લાખ ૫૬ હજાર કેસ નોંધાયા હતા.જે ગયા વર્ષે નોંધાયેલા ૧ લાખ ૧૫ હજાર કેસ કરતા ૩૫ ટકા વધુ છે. ટિકિટ વિનાની મુસાફરી કરતા ૧ લાખ ૩૯ હજાર ૭૮૪ કેસમાંથી ૧૧.૪૨ કરોડ, ઉચ્ચ વર્ગના મુસાફરી કરતા ૧૫ હજાર ૭૦૦ લોકો પાસેથી ૮૨ લાખ ૮૪ હજાર રેલવેને પ્રાપ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે.બીજી તરફ રિઝર્વેશન કોચમાં લોકો પહેલેથી જ ટીકીટ બુક કરીને મુસાફરી કરે છે. મહત્વનું છે કે, રિઝર્વેશન કોચમાં તો ટિકિટ ચેકર નિયમિત ચેકીંગ કરતા હોય છે પરંતુ લોકલ કોચમાં નિયમીત ટિકિટ ચેકીંગ નહી થતું હોવાની પણ માહિતી મળી છે. તેનું એક કારણ ટિકિટ ચેકીંગ કરનારની ઓછી સંખ્યા પણ હોઈ શકે છે.
લોકલ ડબ્બાઓમાં નિયમિત ચેકીંગ ન આવતું હોવાથી મોટી સંખ્યામાં લોકો વિના ટિકિટ જ મુસાફરી કરી લેતા હોય છે. જે તે રેલવે સ્ટેશન પર બહાર નીકળવાના રસ્તે ટિકિટ ચેકર હોય છે, પરંતુ આ ટિકિટ વગરના લોકો અન્ય કોઈ રસ્તાઓ પરથી કોઈ પણ જુગાડ કરીને આ ટિકિટ ચેકરને ચકમો આપીને નીકળી જતા હોય છે તો કેટલાક લોકો ઝડપાઈ જતા હોય છે. જે ચોપડે નોંધાય છે.