રાજકોટમાં તબીબની ઘોર બેદરકારી, ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કર્યું !

રાજકોટના નાગેશ્ર્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. જૂનાગઢ રહેતી ૨૦ વર્ષીય સપના પટેલ નામની યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે યુનિકેર હોસ્પિટલના સંચાલકોની વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે. જવાબદાર સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે અરજી કરવામાં આવી છે. ૨૦ વર્ષીય યુવતીને ડાબા પગમાં દુખાવો થતો હતો. જેના કારણે તેને રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ યુનિકેર હોસ્પિટલ દ્વારા ડાબા પગની જગ્યાએ યુવતીના જમણા પગમાં ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધવા બાબતે અરજી કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગના વડા કાર્તિક શેઠે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવતી હોસ્પિટલમાં દાખલ થવા આવી ત્યારે તેની સાથે રહેલા તેના કુટુંબીજને બધું સમજાવવામાં આવ્યું હતું. યુવતીના ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું હતું. તેમજ જમણા પગમાં પણ તેની અસર થતી હોવાથી તપાસ કરતા બંને પગમાં ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ઓપરેશન કરતાં પૂર્વે દર્દીની સહમતી પત્ર પર સહી લીધા બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી બે વખત ડ્રેસિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે દુખાવો થતો હોવાની ફરિયાદ હોવાથી દવા પણ આપવામાં આવી હતી. ત્રીજી વખત દર્દીના પિતાએ હોસ્પિટલ આવીને ફરિયાદ કરી હતી કે તમારે ડાબા પગમાં જ ઓપરેશન કરવાનું હતું જેના બદલે તમે જમણા પગમાં ઓપરેશન કરી નાખ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે અમે પુરાવા સાથે અમારું નિવેદન આપી દીધું છે.

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી સપના પટેલ દ્વારા ગાંધીગ્રામ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, દસ વર્ષ પૂર્વે જૂનાગઢ ખાતે ગણપતિ વિસર્જન સમયે ટ્રક પલટી ખાઈ જતા તેના ડાબા પગમાં સામાન્ય ઇજા થઈ હતી. થોડાક દિવસો પૂર્વે પોતાના ડાબા પગમાં ગોઠણથી નીચેના ભાગે દુખાવો થતાં જુનાગઢ ખાતે ડોક્ટર નિકુંજ ઠુંમરને બતાવ્યું હતું. તેમજ તેમણે સોનોગ્રાફી તેમજ એમઆરઆઇ પણ કરાવ્યું હતું. તબીબ નિકુંજ ઠક્કરે કહ્યું હતું કે તમારા ડાબા પગે લોહીની ગાંઠ થઈ ગઈ છે. જેના માટે સારવાર અર્થે તમારે વાકયુલર સર્જન ડોક્ટરને બતાવવું પડશે. જેથી મેં ગુગલમાં સર્ચ કરતા યુનિકેર હોસ્પિટલ જાણવા મળ્યું હતું.

આ દરમિયાન મને જાણવા મળ્યું હતું કે, આયુષ્માન કાર્ડ અંતર્ગત વાસ્ક્યુલર સર્જન ડોક્ટર ઓપરેશન પણ કરી આપે છે. જેથી મેં આયુષ્માન કાર્ડમાં રાજકોટની યુનિકેર હોસ્પિટલ ખાતે ૨૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવ્યા બાદ પણ મને દુખાવો થતાં મેં જુનાગઢમાં ડોક્ટર નિકુંજ ઠક્કરને બતાવ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે તમારા જમણા પગમાં ઓપરેશન કરતી વખતે કોઈ ભૂલ થવાથી ગોઠણના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહી છે. જેના કારણે તમને દુખાવો થયા કરે છે. આમ યુનિકેર હોસ્પિટલ રાજકોટ ખાતેના ડોક્ટર જીગીશ દોશી દ્વારા મારા ડાબા પગનું ઓપરેશન કરવાનું હતું. તેમ છતાં જમણા પગમાં અમારી મંજૂરી વગર ઓપરેશન કર્યું હતું જેના લીધે મને તકલીફ ઊભી થઈ છે.