રાજકોટ, રાજકોટમાં એક મહિલાને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શહેરમાં ભારતી પરમાર નામની મહિલાને સળગાવવા મામલે રવિ પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં મહિલાને સળગાવનાર યુવકની તેમની પુત્રી સાથે સગાઈ કરવામાં આવી હતી. પરંતુ કોઈક કારણસર મહિલાની પુત્રી અને યુવકની સગાઇ તૂટી. યુવકે આ સંબંધે મહિલા પર દાઝ રાખતા મધરાતે મહિલા પર પેટ્રોલ છાંટી સળગાવવા પ્રયાસ કર્યો. યુવકે મહિલાની પુત્રી સાથે સગાઇ તુટતા આ અધમ કૃત્ય આચર્યું. હાલમાં પેટ્રોલથી દાઝી ગયેલ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાની હાલત અત્યંત ગંભીર છે.
આજના યુવાનો વધુ આક્રમક બન્યા છે. નાની સરખી વાતોમાં ક્રોધિત થઈ જાય છે. એક યુવાને સગાઈ તૂટી જતા તે યુવતીની માતાને સળગાવવા પ્રયાસ કર્યો. જ્યારે અન્ય એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલ યુવતીને ધમકી આપી કે તે તેની સાથે સંબંધ નહી બાંધે તો ગ્રીષ્મા વાળી કરશે. ગ્રીષ્માનું નામ આવતા જ આજે પણ લોકો કંપી ઉઠે છે. ફેનિલ નામના યુવાને તેની મિત્ર બનેલ ગ્રીષ્માની હત્યા કરી હતી. આજના યુવાનોમાં સમજદારી, સહનશક્તિ અને સમજણનો અભાવ જોવા મળ્યો છે. યુવાનો જલદી પૈસા કમાવવાની લાલચે અવળા રસ્તે જાય છે. અને મિત્ર બનતી યુવતીઓને જબરજસ્તી સંબંધ બાંધવા મજબૂર કરે છે અને જો ના પાડે તો તેમના પર એસિડ એટેક અથવા તો બ્લેકમેલ કરવા તેમજ હત્યાનો પ્રયાસ કરે છે.