ચમત્કાર : રાજકોટમાં શિવજીનો નંદી ચમચીમાંથી પાણી અને દૂધ પીવે છે.!

  • શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા શિવ મંદિરમાં બની આશ્ચર્ય પમાડે તેવી ઘટના
  • રાજકોટનાં શિવ મંદિરમાં સ્થાપિત કરેલ નંદીનો ચમચીથી દૂધ અને પાણી પીતો વિડીયો વાયરલ
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભક્તો નંદીને જલપાન કરાવવા મંદિર પહોંચ્યા

 આગામી તા. 18 થી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. તેમજ શિવજીનાં મંદિરોમાં શ્રાવણ મહિનાની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. ત્યારે શિવજીનાં મંદિરો વહેલી  સવારથી જ હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠશે. શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા શિવજીનું વાહન નંદી મંદિરમાં ચમચીથી પાણી અને દૂધ પીતો હોવાની ઘટના બનવા પામી હતી. આ બાબત દર્શનાર્થીઓનાં ધ્યાને આવતા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે નંદીને જલપાન કરાવવા માટે ઉમટી પડ્યા હતા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મંદિરે ભક્તો ઉમટ્યા

હાલ ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતનાં શિવ મંદિરો હર હર ભોલેનાં નાદથી ગુંજી ઉઠ્યા છે. તેમજ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ શિવ મંદિરોમાં શિવજીની પૂજા અર્ચના કરવા ઉમટી પડે છે. તા. 18 જુલાઈનાં રોજ ગુજરાતમાં પણ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થનાર છે. ત્યારે શિવ મંદિરો દ્વારા શ્રાવણ માસની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા રાજકોટમાં આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના બનવા પામી હતી. જેમાં રાજકોટનાં યાગરાજ નગરમાં યોગેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીનું વાહન નંદીની સ્થાપના કરવામાં આવી છે. અને દરેક શિવ મંદિરમાં નંદીની સ્થાપના કરવામાં આવતી જ હોય છે. પરંતું યોગેશ્વર મહાદેવ મંદિરમાં  નંદી ચમચીથી પાણી તેમજ દૂધ પીતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેમજ આ વાત વાયુ વેગે રાજકોટમાં પ્રસરી જતા ભક્તો પાણી તેમજ દૂધ લઈ નંદીને પીવડાવતા નજરે પડે છે