રાજકોટમાં પૂર્વ કોર્પોરેટરનો પુત્ર જેલ હવાલે: નજીવી બાબતે ફાયરિંગ કરતા કરણ સોરઠીયાની ધરપકડ

રાજકોટ, રાજકોટ શહેરમાં નજીવી બાબતે ફાયરિંગ મામલે મોટી અપડેટ સામે આવી છે. રાજકોટ શહેરના પૂર્વ કોર્પોરેટરના પુત્રને જેલ હવાલે કરાયો છે. કોર્ટે ફાયરિંગ કરનાર કરણ સોરઠીયાને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત કરણ સોરઠીયાની ફરિયાદ મામલે ૫ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવી હતી.

બે દિવસ અગાઉ રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક રાત્રિના સમયે પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ રાજુભાઈ સોરઠિયાએ જાહેરમાં બંદૂકથી ભડાકા કરતા દહેશતનો માહોલ ફેલાયો હતો. કરણ સોરઠિયાની જાહેર શૌચાલય કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ તેણે ૨ રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી. જેને લઈને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરણ સામે કલમ ૩૦૭ અને આર્મ્સ એક્ટ અંતર્ગત હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઈ હતી.

જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં ફાયરિંગ કરનાર કરણ સોરઠિયા નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. તો કરણ સોરઠીયાએ વનરાજ ચાવડા, દેવરાજ સોનારા, ધવલ આહિર સહિતના શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કરણ સોરઠીયા કરેલી ફરિયાદ આધારે ૫ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક સમૃદ્ધિ વધી છે. જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. આર્થિક સમૃદ્ધિ વધી એટલે રૂપિયાનું જોર વધ્યું છે. કેટલાક લોકો માત્ર રુઆબ બતાવવા ગન રાખતા થયા છે. રાજકોટ ખૂબ ઝડપથી શહેરીકરણમાં આગળ વધ્યું છે.

એપ્રિલ ૨૦૨૨થી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં સામે આવ્યા ફાયરિંગના બનાવો

૧૫ એપ્રિલ ૨૦૨૩ – ઉપલેટામાં જાહેરમાં ફાયરિંગ

૪ ફેબ્રુઆરી ૨૦૨૩ – જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

૨૪ જુલાઈ ૨૦૨૨ – બે લોકોએ એક વ્યક્તિ ઉપર જાહેરમાં ફાયરિંગ કર્યું, વિરાણી અઘાટ પાસે બન્યો બનાવ

૨૨ જુલાઈ ૨૦૨૨ – પતિની લાયસન્સવાળી ગનથી પત્નીએ ફાયરિંગ કર્યુ

૬ એપ્રિલ ૨૦૨૨ – માધાપર ચોકડી પાસે જાહેરમાં ફાયરિંગ