રાજકોટમાં પૂરપાટ જતી કારે બાઇકને અડફેટે લેતા સેન્ડવીચની લારી ચલાવનારનું મોત

રાજકોટ, શહેરમાં સતત ત્રીજા દિવસે રફતાર માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ વહેલી સવારે ૪:૩૦ વાગ્યાના અરસામાં પોતાના બાઈક પર ઘરે જઈ રહેલા કિરીટ પૌંદા નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યુ હોવાની ઘટના સામે આવી છે. ફોક્સવેગન કારચાલક અનંત ગજ્જર દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા કારચાલક અનંત ગજ્જર અને તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમાં ખાતે લઈ જવામાં આવ્યા છે.

સમગ્ર મામલે એસીપી પશ્ર્ચિમ રાધિકા ભારાયનું નિવેદન પણ સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં એસીપી પશ્ર્ચિમ રાધિકા ભારાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કિરીટભાઈ નામની વ્યક્તિ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રામાપીર ચોક ઓવરબ્રિજ ઉપર કારચાલક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. ત્યારે ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે આરટીઓ તેમજ એફએસએલના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી છે. કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. મેડિકલ ટેસ્ટ અંતર્ગત બંને વ્યક્તિઓએ નશા યુક્ત પદાર્થનું સેવન કરવામાં આવ્યું હશે તો તેમના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.