
રાજકોટ પોલીસ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં યુવાનો નશાના રવાડે ના ચડે તે માટે કડક ચેકીંગ કરવામાં આવે છે એસઓજી દ્વારા ડ્રગ્સ અને ગાંજાના કારોબાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે એસઓજીએ શહેરમાં વેચાતી પ્રતિબંધીત ઈ-સિગારેટનું વેચાણ કરતાં વેપારીઓ ઉપર તવાઈ બોલાવી છે અને શહેરના કાલાવડ રોડ પર શક્તિનગરમાં ઈ-સિગારેટ સાથે વેપારીને ઝડપી લઈ ૧ લાખની ઈ-સિગારેટ કબજે કરી છે.
એસઓજીના પીઆઈ ડી.સી.સાકરીયા અને તેમની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્યની ચેતવણી વિનાની સિગારેટ તેમજ ઈ-સિગારેટ અને વેપોનું વેચાણ કરતાં પાન-ગલ્લા અને ટોબકો પ્રોડકટના હોલસેલના દુકાનદારો ઉપર વોચ રાખી દરોડા પાડયા છે. જેમાં શહેરના કાલાવડ રોડ પર ખેતલાઆપાની બાજુમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ એ-૫૦૨માં રહેતા મિત ચંદ્રવદન પુજારા (ઉ.૩૪) નામના વેપારીને રૂા.૧.૦૭ લાખની કિંમતની ૪૩ જેટલી ઈ-સિગારેટ સાથે ઝડપી લીધો હતો.
મિત મુંબઈથી આ સિગારેટનો જથ્થો લાવીને રાજકોટમાં યુવાનોને નશાના રવાડે ચડાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્ર્નર મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાથે એસીપી ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીનાં પીઆઈ ડી.સી.સાકરીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.