રાજકોટ, મોડી રાત્રે દલીત સમાજ દ્વારા હોસ્પિટલ ચોક ખાતે રોડ-રસ્તા બંધ કરી ચક્કાજામ કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ અને યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો સામાન્ય રીતે પોલીસ જયારે ગુનેગારને પકડે ત્યારે કોઇ નિર્દોષ ગુનામાં ફીટ ન થઇ જાય તેવું વિચારી કાર્યવાહી કરતી હોય છે. પરંતુ જયારે પોલીસ રક્ષક બને તો? આવો જ એક બનાવ રાજકોટ શહેરના માલવીયા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખોડીયારનગરમાં પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવકને માલવીયાનગ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને નિર્દોષ યુવકને ઉપાડી પોલીસ મથકે લઇ ગયા હતા અને તેમને બેફામ માર મારી છોડી મુકયો હતો. બાદમાં ઘરે આવેલા યુવાન પોતાના ઘરે રાત્રીના બેભાન થતાં તેમને વોકહાર્ટ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેમનું આજે સવારે સારવાર બાદ મોત નિપજતા પરિવારે દેકારો કરી મુકયો હતો.
આ મામલે મોડીરાત્રે મૃતકની પત્નીની ફરીયાદ પરથી અજાણ્યા વ્યક્તિ વિરૂધ માલવીયા પોલીસમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ અને યોગ્ય તપાસની ખાતરી આપ્યાબાદ મોડી સાંજે મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. બનાવની વધુ વિગતો અનુસાર ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા ગીતાબેન હમીરભાઇ રાઠોડ (ઉ.૩૨) એ પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિ મજુરી કામ કરે છે અને સંતાનમાં તેઓને ૧૩ વર્ષનો પુત્ર અરમાન છે.
ગઇ તા.૧૪ના રોજ રાત્રીના સમયે ખોડીયારનગર શેરી નં.૧૬માં રાજુભાઇ સોલંકી અને તેનો પુત્ર જયેશ પાડોશી સાથે ઝઘડો કરતા હતા ત્યારે જયેશ સોલંકીએ ગીતાબેનના પતિ હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇને બોલાવી જતા ત્યાં પોલીસની ગાડી બોલાવી હતી અને આ પોલીસ ગોપાલભાઇને મારતામારતા ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઇ ગયા હતા. ત્યારબાદ પાડોશમાં રહેતા નાનજીભાઇને વાત કરતા નાનજીભાઇ માલવીયા પોલીસે ગયા હતા અને ત્યાનથી હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇને એકટીવામાં બેસાડી ઘરે લઇ આવ્યા હતા અને ઘરે આવી હમીરભાઇ સુઇ ગયા હતા ત્યારે તેઓ બેભાન હાલતમાં હતા અને સવારે અચાનક ન ઉઠતા તેમના કપડા બદલતા તેમના શરીરે લાલ ચાંભા જેવા નિશાન દેખાયા હતા. ત્યારબાદ તેમને વોકહાર્ટ હોસ્પીટલે લઇ જવામાં આવતા તેમને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા હોવાનું માલુમ પડયું હતું. આ મામલે અજાણ્યા પોલીસવાળા વિરૂધ ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવમાં આજે વહેલી સવારે હમીરભાઇનું સારવારમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના બાદ વોકહાર્ટ હોસ્પીટલે મૃતકોના પરિવારની ટોળી અને દલીત સમાન પણ ઉમટી પડયો હતો અને આ હત્યાની ઘટનામાં મૃતકોના પરિવારે માલવીયા પોલીસ મથકના એએસઆઇ કાનગડ સહીત ચાર પોલીસમેન વિરુદ્ધ માર માર્યાનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરી દીધો હતો અને પરિવાર અને સમાજે ન્યાયની માંગણી સાથે આરોપીને તાત્કાલીક પકડવા અને પોલીસ મથકમાં સીસીટીવી ફુટેજ બતાવવાની માંગણી કરી હતી. માલવીયા પીઆઇ જે.આર. દેસાઇ અને એમ.ડી.ગઢવીએ સમજાવટની કોશિષ કરી હતી. પરંતુ પરિવારે તેની માંગણી સ્વિકારવામાં આવ્યા બાદ જ મૃતદેહ સ્વિકારવામાં આવશે તેવું જણાવ્યું હતું. મોડી સાંજે દલિત સમાજ દ્વારા હોસ્પિટલ ચોક ખાતે રસ્તા રોકી ચક્કાજામ કર્યો હતો અને અંતે પોલીસે આરોપીની ધરપકડ અને યોગ્ય તપાસ કરી ખાતરી આપ્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને મામલો થાળે પડ્યો હતો.