રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘણે નવા ૨ બચ્ચાંને જન્મ આપતા સંખ્યા ૧૫એ પહોંચી

રાજકોટ,રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘના બે બચ્ચાનો જન્મ થયો છે. પ્રદ્યુમન પાર્કમાં ગાયત્રી નામની સફેદ વાઘણે બે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. જેથી પાર્કમાં સફેદ વાઘની સંખ્યા વધીને ૧૦ પર પહોચી છે. કુલ ૧૦ સફેદ વાઘમાં ૩ નર વાઘ,૫ વાઘણ અને ૨ નવા બાળ વાઘનો સમાવેશ થયો છે. અત્યાર સુધીમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં કુલ ૧૫ વાઘનો જન્મ થયો છે.

રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં ૨૫મી માર્ચના સાંજે બે બાળ વાઘનો જન્મ થયો છે. માતા ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. રાજકોટના પ્રાણી ઉદ્યાનમાં લાખો મુલાકાતીઓ આવી રહ્યા છે. ખાસ કરીને જાહેર રજા અને તહેવારોમાં ઝુ ખાતે મોટીસંખ્યામાં પ્રવાસીઓ પહોચે છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

રાજકોટ ઝૂ ખાતે અગાઉ સફેદ વાઘમાં થયેલ બ્રીડીંગની વિગત જોઇએ તો નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.૬/૫/૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૧ માદાનો જન્મ.,- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૬/૦૫/૨૦૨૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૪ માદાનો જન્મ.- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૨/૪/૨૦૧૯ના રોજ સફેદ વાઘ બાળ ૪ (નર-૨ માદા-૨)નો જન્મ.,- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૮/૫/૨૦૨૨ના રોજ સફેદ વાઘ બાળ ૨ નરનો જન્મ,- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી તા.૫/૧૨/૨૦૨૨ના રોજ સફેદ વાઘ બાળ ૨ નરનો જન્મ.

આમ સફેદ વાઘણ ગાયત્રી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦ બચ્ચાંઓનો જન્મ આપી સફળતાપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ ૧૫ સફેદ વાઘ બાળનો જન્મ થયેલ છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.