રાજકોટ, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે એક નવજાત બાળકને કોઇએ કૂવામાં ફેંકી દીધા હોવાનું રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને મેસેજ મળ્યો હતો. આ મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પડધરી તાલુકાના ઉકરડા ગામે પહોંચી હતી. આ ઉકરડા ગામના રહેવાસી સુરેશભાઈ જેઠાભાઈ સેવ્સની વાડીમાં આ નવજાત શિશુને કોઈ ફેંકી ગયા હોવાનું સામેઆવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ નવજાત શિશુને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સમયે ઉકરડા ગામના ગામ લોકો પણ એકત્ર થયા હતા.
આ નવજાત શિશુના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ નવજાત શિશુના મૃતદેહને જોઈને ત્યાં હાજર સૌ કોઈને અરેરાટી વ્યાપી ગઈ હતી. જે બાળકે હજુ આ દુનિયા જ નહોતી જોઈ ત્યાં જ તેને આટલી કઠોર સજા કેમ મળી, તેવું સૌ કોઈ વિચારતા હતા તો સાથે જ આ બાળકના માતા-પિતા સામે પણ સૌ કોઈનો આક્રોશ ચરમસીમાએ જોવા મળતો હતો.
જોકે, આ બાળકના માતા-પિતા કોણ છે, તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાળકને શા માટે તેજી દેવામાં આવ્યું, તે પણ સૌ કોઈના મનમાં એક સૌથી મોટો સવાલ છે. આ બાળકને જ્યારે કુવામાં ફેંકી દેવામાં આવ્યું હશે, ત્યારે તે બાળકની શું સ્થિતિ થઈ હશે? તે જ વાત સૌ કોઈનું કાળજું કંપાવી દે છે. જોકે હાલ આ સમગ્ર મામલે પડધરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.