રાજકોટ તાલુકા ૯ ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ૨૮ ઓગસ્ટ સવારે ૬ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર કરીને ૧૦૫ ટકા સુધી પહોંચ્યો છે.
રાજકોટ શહેરમાં આજે સવારે પણ ભારે પવન ફુંકાવાની સાથે અવિરત વરસાદ શરુ થતા ઠેરઠેર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી. રાજકોટ શહેરના આમ્રપાલી બ્રિજ ખાતે અને સકટ હાઉસ પાસે વૃક્ષ ધરાશાઈ થયાની ઘટના બની હતી. વૃક્ષ પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં. રાજકોટમાં ચોથા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરનો આજી ડેમ ઓવરફલો થયો છે. રાજકોટમાં થઈ રહેલા અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.
શહેરના પોપટપરા વિસ્તાર, લલુડી વોંકળી, આજી નદીના કાંઠાના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. રાજકોટમાં આગામી ૭૨ કલાક ભારે વરસાદની આગાહીને પહેલે મિલિટરી ફોર્સ, રેસ્ક્યુ ટાસ્ક ફોર્સને બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પૂર અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને રેસ્કયુ કરવા માટે ૬૦ જવાનોની ટુકડીને રાજકોટમાં સ્ટેન્ડ બાય રખાઈ છે.