
રાજકોટ,
રાજ્યમાં હજી ઠંડીએ સંપૂર્ણ વિદાય નથી લીધી ત્યાં તો પાણીની પરાયણ શરૂ થઇ ગઇ છે. રાજકોટનાં વોર્ડ નંબર-૧૧માં સ્થાનિકો પાણીની સમસ્યાની ફરિયાદ કરી રહ્યા છે. પાણી મુદ્દે મહિલાઓ આકરા તેવરમાં દેખાઇ રહી છે. સ્થાનિક લોકો આ અંગે આક્ષેપ કરી રહ્યા છે કે, તંત્ર માત્ર ૧૦ મિનિટ જ પાણી આપે છે. જો તંત્ર પાણીની સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં લાવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સ્થાનિકો આક્ષેપ કરતા જણાવે છે કે, એક તરફ રાજકોટ મહાનગરપાલિકા પાણીનો વેરો વધારી રહી છે તો બીજી બાજુ પાણીની સમસ્યા યથાવત છે. વેરો વધારવામાં રાજકોટ મનપા માહેર છે પરંતુ કોઇ સુવિધા આપતા નથી. સ્થાનિકો વધુ આક્ષેપ કરતા જણાવે છે કે, એક તરફ રાજકોટ મહાનગરપાલિકા પાણીનો વેરો વધારી રહી છે તો બીજી બાજુ પાણીની સમસ્યા યથાવત છે. વેરો વધારવામાં રાજકોટ મનપા માહેર છે પરંતુ કોઇ સુવિધા આપતા નથી.
રાજકોટમાં વોર્ડ નં.૧૧ના મવડી વિસ્તારના સોરઠીયા પાર્કમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. વોર્ડ નં.૧૧ના સ્થાનિકો દ્વારા પાણીની સમસ્યાની ફરિયાદો પણ તંત્રને કરાઈ છે. આ અંગે કોઇ ઉકેલ ન આવતા સ્થાનિકોએ વિરોધનાં સૂર ઉચ્ચાર્યા છે.
વોર્ડ નં.૧૧માં આજે મહિલાઓ પાણી મામલે રણચંડી બની છે. મહિલાઓનું કહેવું છે કે, ફક્ત ૧૦ મિનિટ જ પાણી આપવામાં આવતા પૂરતું પાણી મળતું નથી અને રોજબરોજનાં કામમાં જ પાણી વગર રખડી રહ્યા છે. ૧૦ મિનિટમાં પણ ધીમા ફોર્સ સાથે પાણી આવતા લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સાથે સાથે જ વેચાતું પાણી લેવું પડી રહ્યું છે. આ સાથે તેમણે જો પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવામાં ન આવી તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.