રાજકોટ: લગ્નમાં ગરબા રમીને ઘરે પહોંચેલા ૩૬ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ,રમતા-રમતા કે ડાન્સ કરતી વખતે હૃદયની કાર્યક્ષમતા પર વધારે ભારણ આવવાથી યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે હવે રાજકોટમાં વધુ એક યુવકનું દાંડિયા-રાસ રમ્યા બાદ મોત થયું છે. રાજકોટ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી સોસાયટીમાં હાર્ટ એટેકના કારણે આશાસ્પદ ૩૬ વર્ષના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ અમિત ચૌહાણ નામનો યુવક દાંડિયા-રાસ રમીને ઘરે આવ્યો હતો અને તે બાદ અમિતને પોતાના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, માલવિયાનગર પોલીસ દ્વારા ઘટના સંબંધિત તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક અમિત ચૌહાણના ત્રણ ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેમજ સંતાનમાં તેને એક દીકરો હોવાનું પણ સામે આવ્યું છે. અમિત ચૌહાણ પીરવાડી ખાતે સોની કામની ડાય બનાવવાનું કામ કરતો હોવાની માહિતી મળી રહી છે.

અમિત ચૌહાણના ફોઈના દીકરા અક્ષય ખેલૈયાના લગ્ન પ્રસંગમાં કરાયેલા દાંડિયા-રાસના કાર્યક્રમમાં ગયો હતો. જે દાંડિયા રાસ રમીને અમિત ચૌહાણ દાંડિયા રાસ રમ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ફરિયા બાદ તેને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં અંદાજિત ૨૨ જેટલા યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે દિવસે-દિવસે યુવાનોના હાર્ટ એટેકના કારણે થતા મૃત્યુ ચિંતા સમાન છે.