રાજકોટમાં કારખાનામાંથી ઝેરી ગેસ લીક થતા લોકોના શ્વાસ રુંધાયા, ૧૦ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા

રાજકોટના ખોડિયારનગરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. રાત્રે લોકો સુઇ રહ્યા હતા, ત્યારે અચાનક જ લોકોના શ્વાસ રુંધાવા લાગ્યા હતા. લોકોને ઊલ્ટી શરુ થવા લાગી હતી. અચાનક જ લોકોના સ્વાસ્થ્ય બગડતા ચહેલ પહેલ મચી ગઇ હતી. જે પછી જાણવા મળ્યુ હતુ કે નજીકમાં જ આવેલા એક કારખાનમાં મોડી રાત્રે કોઇ ઝેરી ગેસ લીક થયો હતો. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય અચાનક બગડવા લાગ્યા હતા.

ઘટનાની વાત કરીએ તો રાજકોટના આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં મોડી રાત્રે અચાનક ઝેરી ગેસ લીક થવાની ઘટના બની હતી. લોકો ઘરમાં સુઇ રહ્યા હતા તે જ દરમિયાન આ ઘટના બની હતી. ઝેરી વાયુની અસરથી 10 લોકોને ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. તો અન્ય લોકોમાં પણ સામાન્ય અસર જોવા મળી હતી.

અચાનક આ ઘટના બનતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બનતા રહેણાક વિસ્તારમાં આવેલા કારખાના સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારખાના સામે લોકોએ વિરોધ દર્શાવ્યો છે. થોરાળા પોલીસને પણ રજૂઆત કરવામાં આવી.