રાજકોટમાં કાળજું કંપાવનારી ઘટના, ૧૬ વર્ષના તરુણે માતાની સામે જ મોટા ભાઈની નીપજાવી હત્યા

રાજકોટ, રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જઈ રહી છે. શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત કે દેખરેખ બાદ પણ ક્રાઈમ વધી રહ્યા છે. ત્યારે આજરોજ રાજકોટમાં એક ચોકાવનારો બનાવ બન્યો છે.

રાજકોટ નજીક ધમલપરમાં ૧૬ વર્ષીય નાનાભાઈના હાથે ૧૭ વર્ષીય મોટા ભાઈની હત્યા થઈ છે. જે બાદ કુવાડવા રોડ પોલીસના પીઆઈ દેસાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

બનાવની વિગત મુજબ મૃતકનું નામ સંજયભાઈ રાજેશભાઈ મજેઠીયા (ઉ.વ.૧૭) છે. મૃતક પોતાના ઘરે પોતાના માતા સાથે હતો ત્યારે આરોપી ૧૬ વર્ષીય નાનો ભાઈ ઘર બહાર કોઈ સાથે ઝઘડો કરતો હતો અને અપશબ્દો બોલતો હતો. જેથી મૃતક સંજય અને તેની માતા નાનાભાઈને ઘરમાં લાવ્યા હતા અને ઝઘડો ન કરવા સમજાવ્યો હતો. આ પછી નાનો ભાઈ મૃતક સંજય સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

વાત બોલાચાલીથી વણસી અને નાનો ભાઈ ઉશ્કેરાઈ ઘરમાંથી છરી લાવ્યો અને મોટાભાઈ સંજયના પડખામાં ઘા મારી દેતા મોટા મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. જેથી સંજયએ ત્યાં જ દમ તોડી દીધો હતો. જે બાદ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને આરોપી નાના ભાઈને કબજામાં લીધો હતો. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજ્કોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આરોપી સગીર અને મૃતક બન્ને સગીર હોવાથી જુવેનાઇલ એકટના નિયમો હેઠળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.