રાજકોટમાં કાલાવડના સલીમની છરીના ૧૨ ઘા ઝીંકી હત્યા:ત્રણ આરોપી સકંજામાં

  • સલીમના પરિવારનું રટણ:જ્યાં સુધી તમામ હત્યારાઓ ન પકડાઇ ત્યાં સુધી સલીમનો મૃતદેહ સ્વીકારાશે નહીં.

રાજકોટ,રાજકોટનાં થોરાળા વિસ્તારમાં આવેલા ગંજીવાડા પાસે મહાકાળી ચોકમાં યુવકની હત્યા થયાની ઘટના સામે આવી હતી.આ બનાવમાં માતાને ભગાડી જનાર યુવકને પુત્ર અને તેના કાકાએ સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે બનાવને પગલે થોરાળા પોલીસ સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ત્રણ આરોપીને સકંજામાં લઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.તેમજ હાલ મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને આરોપીઓને પકડ્યા બાદ જ મૃતદેહ સ્વીકારશે તેવું પરિવારજનોએ રટણ કર્યું છે.આ મામલે થોરાડા પોલીસે હાલ ત્રણેય આરોપીને સકંજામાં લઈ લીધા હોવાનું સામે આવી રહ્યું છે.

વધુ વિગતો મુજબ,થોરાળા વિસ્તારમાં હત્યાનો ભોગ બનનાર સલીમ જુસબ વણથરા(ઉ.વ.૩૮) ટ્રક ડ્રાઈવિંગ કરતો હતો.૨૦૧૭ ની સાલમાં તે ગંજીવાડા વિસ્તારમાં રહેતા આરોપી અવેશની માતાને ભગાડી ગયો હતો.ત્યારથી અવેશને તેની ઉપર ખાર હતો.જો કે આ બાબતની જાણ હોવાથી સલીમ થોરાળા વિસ્તારમાં આવવાનું ટાળતો હતો. હાલ તે કાલાવડ અને જામનગર તરફ રહેતો હોવાની માહિતી થોરાડા પોલીસને મળી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે,સલીમ ગઈકાલે થોરાળા વિસ્તારમાં રહેતા મિત્ર મહાવિર સાથે તેના ઘરે આવ્યો હતો.કારણ કે મહાવીરને શર્ટ બદલવાનો હતો.તે શર્ટ બદલી રહ્યો હતો ત્યારે સલીમ તેનું બાઇક લઈ મહાકાળી મંદિર પાસેથી નિકળ્યો હતો બરાબર તે વખતે મહાકાળી ચોકમાં આવેલા રામજી મંદિરની બિલકુલ નજીક તેને અવેશના કાકા આબીદ ગનીભાઈ ઓડીયા અને તેના પુત્ર અનિશે આંતરી લીધા બાદ તેને ઢીકાપાટુનો બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું.

આ સમયે અવેશને સલીમ આવ્યો હોવાની જાણ થતાં જ આરોપી અવેશ અયુબ ઓડીયા અને તેના મિત્ર અરબાઝ રફીક રાઉમા બાઇક ઉપર ધસી આવ્યા બાદ બંને સલીમ ઉપર છરી વડે તુટી પડયા હતા.છરીના લગભગ ૧૨ જેટલા ઘા ઝીંકી સરાજાહેર હત્યા નિપજાવી ભાગી ગયા હતા.આ સમગ્ર બનાવની જાણ થતા થોરાળાના પીઆઈ જેઠવા,પીએસઆઈ જી.એસ.ગઢવી અને અજિતભાઈ ડાભી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.હત્યાની ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ત્યારબાદ થોરાડા પોલીસે આરોપી આબિદ,અવેશ અને અરબાઝને ઝડપી લીધા હતા.જયારે અનિશ ભાગી જતા તેની શોધખોળ શરૂ કરી છે.આ હત્યા ની ઘટનામાં પોલીસે હત્યાનો ભોગ બનનાર સલીમના ભાઈ જાકીર (રહે. રામનગર-૨, નવા થોરાળા) ની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંયો હતો.આ હત્યાની ઘટનામાં હાલ સલીમનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ઇનકાર કરી દીધો છે.તેમનું કહેવું છે કે,સલીમના હત્યારાઓ જ્યાં સુધી ન પકડાઈ ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં તેમજ બીજી બાજુ પોલીસે પણ સલીમના પરિવારને તમામ આરોપીઓને વહેલી તકે પકડી લઇ ન્યાય આપવા ખાતરી આપી છે.હત્યાનો ભોગ બનનાર સલીમના લગ્ન થઈ ગયા છે. સંતાનમાં એક પુત્ર છે.અવેશની માતાને તે ભગાડી ગયા બાદ અવેશની માતાએ બીજા કોઈની સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ હાલ પોલીસ તપાસમાં લાગી છે.