
દેશમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે, ત્યાં જ હવે હોટલોને ઉડાવવાની ધમકી મળવાનું શરૂ થયું છે. રાજકોટની 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો છે. શહેરની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજન્સી સહિતની હોટલને એકસાથે ધમકી ભર્યો મેલ આવ્યો છે. ક્રિક્રેટરો જ્યાં રોકાય છે એ હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ છે.
દિવાળી તહેવાર વચ્ચે આ પ્રકારની ધમકીનો ઇ-મેલ આવતાં પોલીસ પણ દોડતી થઈ છે. જે 10 હોટલને ધમકી મળી એ સિવાયની હોટલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે પોલીસનું રાજકોટની તમામ મોટી હોટલમાં હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે.
ભાભા હોટલના સંચાલક દુષ્યંત મહેતાએ જણાવ્યું કે, અમારા ભાભાના ઇ-મેલ આઈડી પર 12.45એ બોમ્બ ઈન ધ હોટલ અવો મેલ મળ્યો હતો. મેલ મળતાની સાથે જ અમે તુરંત પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમો તુરંત સ્થળો પહોંચી હતી અને ચેકિંગ ચાલું કર્યું હતું. આખી હોટલમાં તપાસ કર્યા પછી સાહેબે એવું કીધું કે, તમે પાછા કાર્યરત થઈ જાવ. અમે કાર્યવાહી પૂર્ણ કરેલી છે.

હોટલોને 12:45 કલાકે મળેલો ઇ-મેલ કેન દિન નામના સેન્ડરે મોકલ્યો છે. જેમાં લખ્યું છે કે, આઈ પ્લેસ્ડ બોમ્બ્સ ઇન એવરી લોકેશન ઓફ યોર હોટલ. ધ બોમ્બ્સ વિલ ગો ઓફ ઈન અ ફયુ અવર્સ, મેની ઈનોન્ટ લાઇવ્સ વિલ બી લોસ્ટ ટુડે, હરીઅપ એન્ડ ઇવેક્યુએટ ધ હોટલ…… મેં તમારી હોટેલના દરેક સ્થળે બોમ્બ મુક્યા છે, બોમ્બ થોડા કલાકોમાં ફૂટશે. આજે અનેક નિર્દોષના જીવ જશે, જલ્દી કરો અને હોટલ ખાલી કરો. એસઓજી, ક્રાઈમ બ્રાંચ, એલસીબી, પીસીબી, બોમ્બ સ્ક્વોડ, જે તે પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી એકપણ હોટલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
આ મામલે એ ડિવિઝનના PI આર. જી. બારોટે જણાવ્યું હતું કે અમને ક્રાઈમ બ્રાન્ચમાંથી સૂચના મળી હતી કે આ પ્રકારનો ઇ-મેલ મળ્યો છે, જેથી અમારા એ ડિવિઝન વિસ્તારની ભાભા હોટલ, જ્યોતિ હોટલ અને ઇમ્પીરિયલ હોટલ, આ ત્રણેય હોટલમાં બોમ્બ મૂકવાની અફવા બાબતનો મેસેજ આવ્યો હતો. હાલમાં એસઓજી પોલીસ, લોકલ પોલીસ સહિતની ટીમ આવી ગઈ છે અને ચેકિંગની કામગીરી કરી રહી છે.
છેલ્લા ઘણા સમયથી એક બાદ એક ધમકીઓ મળી રહી છે, જેમાં પહેલા દિલ્હીની સ્કૂલો અને બાદમાં અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એ બાદ સુરતના મોલને પણ આજ ઓપરેન્ડીથી ઇ-મેલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાલમાં જ દેશને અનેક ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં ઈમર્જન્સી લેડિંગ તથા ડાઈવર્ટ કરવાની ફરજ પડતી હતી. હવે રાજકોટની ખ્યાત નામ હોટલોને ઉડાવી દેવાની ધમકી મળી છે.