રાજકોટમાં હીટ એન્ડ રન: ફોર્ચ્યુનર કારની અડફેટે બે યુવાનો હવામાં ફંગોળાયા, એકનું મોત

રાજકોટ,

શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણબોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ફોર્ચ્યુનર કારચાલકે બે જેટલા યુવાનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં એક યુવાનનો ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે એક યુવાન ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણબોર નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ફોર્ચ્યુનર કારચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ,  GJ 03 MF 1226 નંબરની સાઈન બાઈક પર બે યુવાનો રોડ પર જતા હતા. આ સમયે  GK 04 DA 99  નંબરની ફોર્ચ્યુનર કાર દ્વારા બંને યુવાનોને અડફેટે લેવામાં આવ્યા હતા. કારની સ્પીડ એટલી તીવ્ર હતી કે, બંને યુવાનોને અડફેટે લેતા બંને યુવાનો હવામાં ફંગોળાયા હતા. હવામાં ફંગોળાયા બાદ બંને યુવાનો રોડ પર પટકાયા હતા. જે પૈકી ગોપાલ નામના યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે ઉદય નામના વ્યક્તિને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર બનાવવાની જાણ કુવાડવા પોલીસને થતાં તાત્કાલિક અસરથી કુવાડવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતની ઘટના સર્જાતા ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે, ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવતા રસ્તો પૂર્વવત થયો હતો. અત્યારે હાલ તો કુવાડવા પોલીસ દ્વારા ફોર્ચ્યુનર કાર ચાલક વિરૂધ ગુનો નોંધી તેની શોધખોળ કરવામાં આવી છે. હવે આરોપી કેટલા સમયમાં ઝડપાય છે, તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે.