
રાજકોટ: આજકાલ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો ટ્રાફિકની છે, ત્યારે જુદી-જુદી મહાનગર પાલિકા પોતાની નવી પાર્કિંગ પોલીસી બનાવી રહી છે. તે પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકાએ પણ નવી પાર્કિંગ પોલીસીને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. રાજકોટમાં માથાના દુઃખાવા સમાન ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાર્કિંગ પોલિસી લાગુ પડાશે. હવે ગમે ત્યાં વાહનો પાર્ક નહીં કરી શકાય. શહેરના 62 સ્થળે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. પાર્કિંગમાં ઓછામાં ઓછું 5 અને વધુમાં વધુ 120 રૂપિયા ભાડું વસૂલ કરવામાં આવશે.
હવે રાજકોટવાસીઓને સૌથી મોટી મુશ્કેલી પડવાની છે, કારણ કે રાજકોટ શહેરની નવી પાર્કિંગ પોલીસી લાગૂ કરવા માટે કમર કસી લીધી છે. અત્યાર સુધીમાં સુરતમાં નવી પાર્કિંગ પોલીસી બની છે અને અમદાવાદમાં પણ આ પોલીસી માટે પ્રક્રિયા ચાલું છે. આ સાથે જ રાજકોટમાં હવે ઘર કે દુકાન બહાર વાહન પાર્ક કરવા માટે પૈસા ભરવા પડશે.
રાજકોટમાં અત્યારે 41 જાહેર જગ્યાઓ પાર્કિંગ માટે છે. શક્ય છે નવી પોલીસી આવતા જ આ જાહેર પાર્કિંગ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જી હા… શહેરના 62 સ્થળે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. છેલ્લા લગભગ 20 વર્ષોમાં રાજકોટનો વ્યાપ ખૂબ વધ્યો છે. ગ્રામીણ કહી શકાય તેવા વિસ્તારો આજે શહેરની હદમાં આવી ગયા છે. આવા સંજોગોમાં નવી પાર્કિંગ પોલીસી નાગરિકોને કેવો ફાયદો આપશે તે જોવું રહ્યું.
વાહનનું ભાડું રહેશે આ મુજબ:
- ટુ વ્હીલર:-3 કલાકનું ભાડું 5 રૂપિયા અને 24 કલાકનું ભાડું 25 રૂપિયા
- થ્રી વ્હીલર:- 3 કલાકનું ભાડું 10 અને 24 કલાકનું ભાડું 30રૂપિયા
- ફોર વ્હીલર:- 3 કલાકનું ભાડું 20 અને 24 કલાકનું ભાડું 80 રૂપિયા
- એલસીવી વાહન:-3 કલાકનું ભાડું 20 અને 24 કલાકનું ભાડું 100 રૂપિયા
- હેવી વ્હીકલ:-3 કલાકનું ભાડું 40 અને 24 કલાકનું ભાડું 120રૂપિયા