રાજકોટ, ઘી, મીઠાઈ, ફરસાણ બાદ હવે મુખવાસમાં પણ મિલાવટ. જી હા, મુખવાસ જે જમ્યા બાદ લેવામાં આવે છે. તે જ મુખવાસમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. રાજકોટમાં હવે મુખવાસમાં પણ મિલાવટ સામે આવી છે. મુખવાસમાં અખાદ્ય કલર ભેળવવામાં આવ્યો છે, જે ખાવા લાયક નથી. હાલ દિવાળીના તહેવારોને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં છે.
પરાબજારમાં મુખવાસનાં હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. જેમાં અમૃત મુખવાસ નામની પેઢીમાંથી ભેળસેળ યુક્ત મુખવાસ ઝડપાયો. તે પણ કોઈ ૧૦-૨૦ કિલ નહીં પરંતુ ૧ હજાર ૪૦ કિલો ભેળસેળ યુક્ત મુખવાસનો જથ્થો ઝડપાયો. જેમાં કલર મિક્સ કરવાામાં આવતો હતો. આ ઉપરાંત મુખવાસના પેકિંગમાં એક્સપાયરી ડેટ પણ ન હોવાનું સામે આવ્યું. આ પ્રકારનો મુખવાસ ખાવાથી ગાળામાં ચાંદી પડવી, ગળું પકડાઈ જવું વગેરે જેવી સમસ્યા થઈ શકે છે.
આ તરફ દુકાનદારે પોતાની આ વિશે કોઇ જાણકારી ન હોવાનું કહ્યું તો હવે પછી આ પ્રકારના મુખવાસનું વેચાણ ન કરવાની ખાતરી આપી. ત્યારે સવાલ એ છે કે હવે આવા ભેળસેળિયાઓ પર કડક કાર્યવાહી ક્યારે કરાશે ? જો કડક કાર્યવાહી થશે તો જ આ બેફામ બનેલા ભેળસેળિયાઓ પર લગામ લગાવી શકાય.