રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના ત્રણ શખ્સો ઝડપાયા

રાજકોટ, રાજ્યના વિવિધ શહેરોમાંથી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ગુજરાતના રાજકોટ પોલીસની સ્પે.ઓપરેશન ગ્રૂપે અહીં મજૂરી કરતા ત્રણ ઉડિયા શખ્સને રૂ.૩૭ હજારના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા છે.

એસઓજીના એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને જમાદાર ઘનશ્યામસિંહ ચૌહાણને મળેલી બાતમીના આધારે એસઓજીએ કન્સ્ટ્રકશનનું કામ કરતા હિતેન્દ્રસિંહ ચુડાસમાની કાલાવડ રોડ પર આવેલી પતરાની ઓરડીમાં દરોડો પાડી ત્યાં થોડા દિવસોથી રહેતાં મૂળ ઓરિસ્સાના જુધીસ્થીર ધુમડુ રાણા (ઉ.વ.૩૩) અને મૂળ ઓરિસ્સાના અને હાલ શિતલ પાર્ક ઉપરાંત કાલાવડ રોડ પરના આંબેડકર નગરમાં ભાડેથી ઝૂંપડા અને ઓરડીમાં રહેતા માધબ બડીયાઘર કુનરા (ઉ.વ.૨૪) અને અમીત નરેન્દ્ર સાગર (ઉ.વ.૨૪પ)ને ગાંજાની ૩ કિલો ૭૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી ગાંજાના નેટવર્ક વિશે ઘણી માહિતી મળે તેવી પોલીસને આશા છે. આ માટે ત્રણેય આરોપીઓના પોલીસ રિમાન્ડ માંગશે. આ ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલા સમયથી રાજકોટમાં ગાંજાનું નેટવર્ક ચલાવે છે તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ કરશે.