રાજકોટ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. પહેલાં તબક્કાની ૮૯ બેઠકોના ઉમેદવારી ફોર્મ સોમવારે ભરાઈ ચૂક્યાં છે. જેમાં ઉડીને આંખે એવી એક વાત એ સામે આવી છેકે, આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો પર ઉમેદવારી કરવા માટે જાણે રાફડો ફાટી નીકળ્યો છે. એમાંય સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં ઉમેદવારી માટે સૌથી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતરી પડયાં હતાં. રાજકોટમાંથી જ એક એક બેઠકો પર ઢગલાં બંધ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યાં છે. આ વસ્તુ રાજકોટમાં સ્થિતિ ઉકળતા ચરુ જેવી છે એ વાતની ચાડી ખાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાક્સી વચ્ચે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું પૂર્ણ થયું છે. રાજકોટ શહેર અને જિલ્લાની ૮ વિધાનસભા બેઠક પર કુલ ૧૭૦ જેટલા ફોર્મ ભરાયા છે. જેમાં રાજકોટ વિધાનસભા ૬૮ પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૨૮ ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા ૬૯ પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૨૬ ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત રાજકોટ વિધાનસભા ૭૦ પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૨૭ ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા ૭૧ પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૨૫ ફોર્મ ભરાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યની બેઠકો પર નજર કરીએ તો જસદણ બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૧૭ ફોર્મ, ગોંડલ બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૧૦ ફોર્મ, જેતપુર બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૧૬ ફોર્મ તથા ધોરાજી બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૨૧ ફોર્મ ભરાયા છે.
ઉલ્લેખનીય છેકે, ભારતના ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. ૮મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૧૮૨ બેઠકો પર ૪.૯ કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૫૧,૦૦૦ થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી ૩૪,૦૦૦ થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ૮૯ બેઠકો માટે ૧ ડિસેમ્બરે અને ૯૩ બેઠકો માટે ૫ ડિસેમ્બરે મતદાન થશે.