રાજકોટ, શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. શહેરના નવા ૧૫૦ ફૂટ રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેના કારણે એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં આસપાસના લોકો દ્વારા તંત્ર પર ઘણો જ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. લોકોનો એવો પણ આક્ષેપ છે કે, અકસ્માત થયાના ત્રણ કલાક સુધી તો મૃતદેહ ત્યાં જ પડી રહ્યો હતો. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના નવા ૧૫૦ ફૂટ રોડ ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેમાં ટ્રક મૂકી ટ્રક ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે ૨૨ વર્ષની હેત્વી મોરડીયા સનસાઇન કોલેજમાં જઇ રહી હતી. આ યુવતી એમબીએના પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી. જેથી તે આજે સવારે ટુ વ્હીલર પર અન્ય એક યુવતી સાથે પોતાની કોલેજમાં જઇ રહી હતી. આ દરમિયાન ૧૫૦ ફૂટના રોડ પર આ દુર્ઘટના ઘટી હતી.પૂરપાટ ઝડપે ચાલતી ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. આ ગોઝારા અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે, આ અકસ્માત થયાના ત્રણ કલાલ સુધી તો યુવતીનો મૃતદેહ ઘટના સ્થળે જ પડી રહ્યો હતો. આ રોડ પર રહેલા ખાડા અને બેદરકારીપૂર્વક મોટા વાહનો ચાલતા હોવા અંગે અનેક ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ તંત્ર કાંઇ જ નથી કરી રહ્યુ.