રાજકોટમાં દૂધમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગની ઝુંબેશ, ૨ દિવસમાં ૩૦ દૂધની ડેરીઓ પર દરોડા પાડયા

રાજકોટ, દૂધમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા મામલે અનેક એકમો પર દરોડા પાડ્યા. દૂધમાં ભેળસેળ રોકવા મામલે મનપા અને નગર પાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું. ગાંધીનગરથી આદેશ છૂટ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ૨ દિવસની અંદર ૩૦ જેટલી ડેરી પર દરોડા પાડી નમૂના લેવામાં આવ્યા.

જેમાં ભેંસના દૂધ, ગાયના દૂધ અને મીક્સ દૂધના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાજય સરકારની સૂચનાથી દૂધમાં ભેળસેળ રોકવા આ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે પણ ડેરીઓમાંથી આરોગ્ય વિભાગની નમૂના લેવાની કામગીરી યથાવત છે.

આપણાં રોજિંદા આહારમાં દૂધ સામેલ છે. લોકો પોતાની સવારની શરૂઆત હૂંફાળા દૂધ સાથે કરતા હોય છે. રમતવીરો તેમજ ચા નું વ્યસન ના ધરાવતા હોય તેવા લોકો સવારે દૂધ સાથે પૌષ્ટિક નાસ્તો લેતા હોય છે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા તેમજ મહિલાઓમાં જોવા મળતી પ્રોટીનની ઉણપને લઈને અનેક વખત તેમને દૂધ લેવાની સલાહ આપવામાં આવે છે. કોરોના બાદ લોકોમાં સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવાને લઈને જાગૃક્તા વધી છે. ત્યારે પૌષ્ટિક એવા દૂધમાં જ ભેળસેળ હોય તો લોકોના સ્વાસ્થ્યને વધુ નુક્સાન કરી શકે છે. આજકાલ મોટાભાગના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી હોવાનું સામે આવતું રહે છે. ત્યારે લોકોના રોજિંદા આહારમાં સામેલ દૂધમાં ભેળસેળ હોય તો લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થઈ શકે છે. ભેળસેળ યુક્ત દૂધ પીવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે તેવી શકયતાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અભિયાન હાથ ધરાયું હતું.

આરોગ્ય વિભાગે રાજકોટમાં ભેળસેળવાળા દૂધની અનેક ફરિયાદો મળતા છેલ્લા ત્રણ દિવસમાં અલગ-અલગ ડેરીઓ પર દરોડા પાડી નમૂના લીધા. આ નમૂનાની તપાસ કરતા કેટલીક ડેરીઓ પર કથિત ગેરરીતિ આચરવા બદલ ગુનો નોંધી ડેરી સીલ કરી હતી. વિભાગે સ્વરાજ દૂધ, શિવ શક્તિ ડેરી અને ક્રિષ્ના ટી સ્ટોલમાંથી લીધેલ નમૂના ફેલ જતા ડેરીના વેપારીઓ સાથે સંબંધિત કાર્યવાહી હાધ ધરી છે. ભેળસેળવાળું દૂધ ઓળખવા થોડા ટીપા નીચે જમીન પર નાખી ચકાસણી કરવી કે દૂધ કઈ રીતે વહી રહ્યું છે. દૂધ ધીમે ધીમે જાય અને નિશાન છોડે તો તે દૂધ શુદ્ધ છે તેમાં કોઈ ભેળસેળ કરવામાં આવી નથી.

મનપાના ફૂડ વિભાગની ટીમ તથા સેફટી વાન સાથે શહેરના બજરંગવાડી હોર્ક્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાથઓને ત્યાં ૧૦ નમુનાની ચકાસણી કરી આઠ વેપારીને નોટીસ આપી છે. જેઓને નોટીસ અપાઇ છે તેમાં જય સિયારામ, જોગી ઘૂઘરા, સંયા મદ્રાસ કાફે, ચામુંડા ભેળ સેન્ટર, તડકા ચાઇનીઝ, જલારામ વડાપાઉં, એ-વનદાલબાટી,સિધી વિનાયક દાળપકવાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એચ એસ વડાપાઉં, શ્રી શિવશક્તિ ચાઇનીઝ, ઓમ પનીર સૂરમાં, જય ખોડિયાર ચાઇનીઝ, રાધેશ્યામ ચાઇનીઝ, જય ગણેશ મદ્રાસ કાફે, કચ્છી દાબેલી, તિરૂપતી મદ્રાસ કાફે, ગણેશ પાઉંભાજી, અખિયા ચાઇનીઝ, એમ જી એમ પાઉંભાજીમાં તપાસ કરવામાં આવી હતી.