રાજકોટમાં બજરંગવાડી સર્કલ પાસે મોમીન સોસાયટીમાં આવેલી શમ્સ વિદ્યાલયમાં ગત રવિવારે મુસ્લિમ સમાજની પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાતી હતી. એ સમયે વાંકાનેર સોસાયટીમાં રહેતી બિલ્કીસ અને તેના પુત્ર કોનેન સહિતના ત્રણ શખ્સોએ દારૂની રેડમાં ગયેલી મહિલા કોન્સ્ટેબલના ભાઈ પર હુમલો કર્યો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે બે ફરિયાદ દાખલ થવા પામી છે.
જેમાં પ્રથમ ફરિયાદમાં નવાજભાઇ મુસ્તાકભાઇ સુમરાયએ આરોપી બિલ્કીસ, તેનો દિકરો કોનેન અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, નવાજભાઈના મોટાબેન નગ્માબેન ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. નગ્માબેને થોડા દિવસ પહેલા આરોપી બિલ્કીસબેનના ઘરે પડેલી દારૂની રેડમાં સાથે ગયા હતા. તા.૨૧/૦૧/૨૦૨૪ના રોજ નવાજભાઈ બપોરના સમયે મુસ્લીમ સમાજની પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે શમ્સ વિધ્યાલય મોમીન સોસાયટી બજરંગ વાડી સર્કલ પાસે ક્લાસીસમા ગયા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રૂપે પરીક્ષા ચાલુ હતી. તે દરમ્યાન બપોર ૦૪:૦૦ વાગ્યાની આસપાસ દારૂની રેડનો ખાર રાખીને ત્રણેય આરોપીઓ શમ્સ વિદ્યાલય ખાતે ધસી આવ્યા હતા અને નવાજભાઈને ક્લાસની બહાર બોલાવી “તું નગ્માબહેનનો ભાઈ છો?” તેમ પૂછ્યા બાદ ગાળો ભાંડી ગળદાપાટૂનો મારમાર્યો હતો. એ વખતે ક્લાસના સંચાલક ઇમરાન ખાન અને અન્ય શિક્ષકોએ વચ્ચે પડીને નવાજભાઈને છોડાવી આરોપીઓને બહાર કાઢ્યા હતા. થોડીવાર બાદ આરોપી બિલ્કીસ સ્કૂલની અંદર આવી હતી અને તેણે નવાજભાઈને બે તમાચા માર્યા હતા તથા ઝપાઝપી કરી હતી. ફરી એ સમયે શિક્ષકો વચ્ચે પડ્યા હતા અને નવાજભાઈને બચાવ્યા હતા.
જ્યારે અન્ય ફરિયાદમાં ફરિયાદી જુનેદ અનવરભાઈ ખિયાણીએ આરોપી બિલ્કીસ, તેનો દિકરો કોનેન અને બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,તા.૨૧/૦૧/૨૦૨૪ના રોજ તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શમ્સ વિદ્યાલયમાં ગયો હતો ત્યારે બિલ્કીશ, કોનેન અને એક અજાણ્યા શખ્સે નવાજ સાથે ઝગડો કર્યો હતો. તે વખતે ક્લાસના સંચાલકે વિદ્યાર્થિનીઓને બહાર જતા રહેવાનું કહેતા જુનેદ તમામને સ્કૂલની બહાર લઈ જતો હતો, એ વખતે બિલ્કીશ, કોનેન અને બે અજાણ્યા આરોપીઓ મર્સિડીઝ કારમાં આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીઓને ગાળો ભાંડતા હતા. જેથી જુનેદે ગાળો બોલવાની ના પાડતા તેને પણ ગાળો ભાંડી ઝપાઝપી કર્યા બાદ બિલ્કીશે તેની ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓએ જુનેદને ઢોરમાર માર્યો હતો.
આ બંને ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.