રાજકોટ,
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પૂર્ણ થતાંની સાથે જ પોલીસ ’કુણી’ પડી ગઈ હશે તેવું માનીને બૂટલેગરો દ્વારા ટ્રક ભરી ભરીને દારૂ મંગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કદાચ અંધારામાં રહી જતી હશે પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કોઈ પ્રકારની કચાશ રાખ્યા વગર રાજકોટમાં આવીને દારૂ પકડવાનું શરૂ કરી દેવામાં આવતાં બૂટલેગરોમાં તો ફફડાટ ફેલાઈ ગયો છે. સાથે સાથે સ્થાનિક પોલીસના પગ પણ હવે ધ્રુજવા લાગ્યા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે ગઈકાલે રાજકોટમાં જાણે કે દારૂ ભરેલા ટ્રક પકડવાની હોડ જામી ગઈ હોય તેવી રીતે સ્ટેટ મોનિટરિંગ સેલે બામણબોર જીઆઈડીસી પાસેથી દારૂની ૨૧૪૧૮ બોટલ ભરેલો ટ્રક પકડ્યાની ૪૫ મિનિટમાં જ સ્થાનિક એરપોર્ટ પોલીસે બામણબોર જીઆઈડીસી પાસેથી જ ૯૧૨૦ બોટલ ભરેલો ટ્રક પકડીને પોતાની ’કામગીરી’ બતાવી દીધી છે !
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નીરજા ગોટરુ, એસપી નિલપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ.જાડેજા સહિતની ટીમ દ્વારા બામણબોર જીઆઈડીસીમાં ગ્રીન પ્લાય કારખાના નજીક પાર્ક કરાયેલો દારૂ ભરેલો ટ્રક પકડી પાડવામાં આવ્યો હતો. આ ટ્રકની તલાશી લેવામાં આવતાં તેમાં પશુઓના ખોરાકની થેલીઓ નીચે છુપાવેલો દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ટ્રક ડ્રાઈવર કેશારામ લાખારામ જાટ (રહે.બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે એવી કબૂલાત આપી હતી કે તેને જાલંધર-અમૃતસર હાઈ-વે પર આ ટ્રક સોંપવામાં આવ્યો હતો. દારૂ ભરેલા ટ્રકને તેણે પાલનપુર બોર્ડર પરથી ગુજરાતમાં ઘૂસાડ્યો હતો અને ત્યાંથી સુરેન્દ્રનગર થઈને તે રાજકોટ સુધી આવ્યો હતો. જો કે અહીં આ દારૂ કોને આપવાનો હતો તેની તેને જાણ ન હોવાનું તેણે કહ્યું હતું.
સ્ટેટ મોનિટરિંગ સેલની ઉંડાણપૂર્વકની તપાસમાં એવો ખુલાસો થયો છે કે દારૂ ભરેલો આ ટ્રક રાજસ્થાનથી ખેતારામ નામના સપ્લાયરે મોકલ્યો છે જેથી તેના ઉપરાંત અમૃતસર-જાલંધરના બે ડ્રાઈવર અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. એસએમસીએ ૫૦,૬૩,૩૭૦ રૂપિયાની કિંમતની દારૂની ૨૧૪૧૮ બોટલ, ૧૦ લાખનો ટ્રક, રોકડ સહિત રૂા.૬૦,૭૪,૯૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલો ટ્રક પકડ્યાની ૪૫ મિનિટ બાદ જ એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ એમ.એ.ઝણકાત, પીએસઆઈ એ.કે.રાઠોડ, આર.એન.સાંકળીયા, એએસઆઈ જે.એલ.બાળા સહિતના સ્ટાફે બામણબોર જીઆઈડીસીમાં આવેલા ભાગ્ય સ્ટીલના કારખાના પાસે રોડ ઉપર પડેલો ટ્રક પકડી પાડી તેમાં રહેલી ૩૮,૪૦,૦૦૦ રૂપિયાની દારૂની ૯૧૨૦ બોટલ મળી કુલ ૫૩,૪૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એરપોર્ટ પોલીસે ટ્રક ડ્રાઈવર માનારામ લાલારામ જાખડ (રહે.બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી આ દારૂ રાજકોટમાં કોણે મંગાવ્યો તેની તલાશ શરૂ કરી છે. દારૂ ભરેલા બે ટ્રક પકડાયા બાદ એવી વાતો વહેતી થવાનું શરૂ થઈ ગયું હતું કે સ્ટેટ મોનિટરિંગ સેલ બામણબોર જીઆઈડીસીમાં બે ટ્રક પકડવા માટે જ આવી હતી. જો કે બેમાંથી એક ટ્રક તેના ’રડાર’ મતલબ કે ટ્રેસિંગમાંથી બહાર થઈ જવાને કારણે હાથ લાગી નહોતી. જો કે એક ટ્રક પકડાઈ ગયાની વાત વાયુવેગે પ્રસરી જતાં સ્ટેટ મોનિટરિંગ સેલ બીજા ટ્રક સુધી પહોંચે તે પહેલાં જ એરપોર્ટ પોલીસે પકડી લઈને પોતાની ’કામગીરી’ બતાવી દીધી હતી.
મહત્ત્વની વાત એ છે કે, દારૂનો આટલો મોટો જથ્થો મળી આવ્યા છતાં એ વાત સ્પષ્ટ થઈ શકી નથી કે આખરે આ દારૂ મંગાવ્યો કોણે હશે ? શું આ દારૂ રાજકોટમાં જ કોઈ જગ્યાએ ઉતરવાનો હતો કે રાજકોટમાં આવવાની જગ્યાએ અન્ય કોઈ જિલ્લામાં જવાનો હતો ? આ સહિતની દિશામાં અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ-એરપોર્ટ પોલીસના દરોડા બાદ એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે પંજાબથી દારૂ ભરીને ત્રણ ટ્રક રાજકોટ આવવા માટે નીકળ્યા હતા જે પૈકીનો એક ટ્રક ત્રણ દિવસ પહેલાં જ રાજકોટમાં આવી ગયો હતો. એ ટ્રક ’શાંતિપૂર્વક’ રાજકોટમાં ઘૂસી જતાં વધુ બે ટ્રક ભરીને દારૂ મોકલવામાં આવ્યો હતો પરંતુ આ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલે વોચ ગોઠવેલી હોય તેણે એક ટ્રક પકડી પાડ્યો તો બીજો ટ્રક એરપોર્ટ પોલીસે પકડી લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ-એરપોર્ટ પોલીસે દારૂ ભરેલો એક-એક ટ્રક પકડ્યા બાદ તરેહ તરેહની ચર્ચાએ જન્મ લઈ લીધો છે. એક ચર્ચા એવી પણ શરૂ થઈ ગઈ છે કે જો સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલો એક ટ્રક ન પકડ્યો હોત તો શું એરપોર્ટ પોલીસ બીજો ટ્રક પકડી શકી હોત ? જો આમ ન બન્યું હોત તો દારૂ ભરેલા બન્ને ટ્રક સરળતાથી પસાર થઈ ગયા હોત તેવી એક વાત પણ શરૂ થઈ ચૂકી છે. જો કે તેમાં સત્ય અને તથ્ય કેટલું તે તો કદાચ દારૂ પકડનાર અધિકારીઓ જ જાણતા હોઈ શકે !
ચાર દિવસ પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી ગઈ હતી કે દારૂ ભરેલા બે ટ્રક રાજકોટ આવવાના છે !!
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની બામણબોર જીઆઈડીસીમાં દારૂ ભરેલા બે ટ્રક આવવાના છે તે અંગેની બાતમી ચાર દિવસ પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલને મળી ગઈ હતી એટલા માટે ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળ ઉપર ચાર દિવસની વૉચ ગોઠવવામાં આવી હતી અને જેવી દારૂ ભરેલી ટ્રક પાર્ક કરાયાની જાણ થઈ કે તુરંત જ સ્ટાફે દરોડો પાડી તેને પકડી લીધી હતી.
જો કે દરોડો પડ્યો તે પહેલાં જ એક ટ્રક નીકળી ગઈ હોવાથી તેને ટ્રેસ કરવાનું શરૂ કરાયું હતું જે ટ્રેસ પણ થઈ ગઈ હતી અને એસએમસી ત્યાં પહોંચે તે પહેલાં જ એરપોર્ટ પોલીસે બીજો ટ્રક પકડી લીધો હોવાની વાતે અત્યારે જોર પકડી લીધું છે.