રાજકોટ, રાજકોટ મહાપાલિકામાં કુલ ૭ર કોર્પોરેટરો પૈકી સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના ૪ પૈકીના બે કોર્પોરેટરોનું પદ પક્ષાંતર ધારા હેઠળ રદ થયા બાદ હાઇકોર્ટમાં ચાલેલા કાનુની જંગના અંતે કોંગી નગરસેવક વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને ફરી કોર્પોરેટર પદે કાર્યરત કરવાનું માર્ગદર્શન વડી અદાલતમાંથી આવી ગયું છે. હવે મનપામાં કોંગ્રેસના ૪ કોર્પોરેટરો કાર્યરત થશે તેવું પક્ષે જાહેર કર્યુ છે.
ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઓકટોબર-૨૦૨૦માં પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.૧પના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા તથા તેમની સાથે કોમલબેન ભારાઇએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. વશરામભાઇ સાગઠીયાએ આમ આદમી પાર્ટીનો હાથ પકડયો હતો અને તેઓ રાજકોટ ગ્રામ્યમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડયા હતા. જોકે ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. બીજી તરફ ખુદ કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ પોતાના બંને કોર્પોરેટરો સામે શહેરી વિકાસ વિભાગમાં ફરીયાદ કરી હતી.
તારીખો અને લાંબી દલીલો બાદ વિભાગે બંને કોર્પોરેટરોનું સભ્યપદ રદ્દ જાહેર કર્યુ હતું. આથી વશરામભાઇએ સરકાર સામે હાઇકોર્ટમાં સ્પે. પીટીશન દાખલ કરી લડત ચાલુ રાખી હતી.
તાજેતરમાં ફરી વશરામભાઇ સાગઠીયા ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. પરંતુ તેમની પાસે કોર્પોરેટર પદ ન હતું થોડા મહિના પહેલા આ ખાલી બેઠકોની પેટા ચૂંટણીની વાત પણ જાહેર થઇ હતી. પરંતુ કાનુની વિવાદના કારણે આ ચૂંટણીની પ્રક્રિયા પડતી મુકવામાં આવી હતી. હવે ગઇકાલે હાઇકોર્ટે વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર તરીકે ફરી પ્રવૃત કરવાનું માર્ગદર્શન મોકલ્યું છે આથી હવે મહાપાલિકામાં ફરી કોંગ્રેસનું સંખ્યાબળ ૪ પર પહોંચી ગયું છે.
લોક્સભાની ચૂંટણી પૂર્વે હવે કોર્પોરેશનમાં ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરો થયા છે. મનપામાં ભાજપની જંગી બહુમતીને કોઇ ફર્ક પડવાનો નથી. પરંતુ કોંગે્રસનું સંખ્યાબળ અને નેતાઓની સક્રિયતા વધી જશે. તાજેતરમાં શહેર પ્રમુખ તરીકે અતુલ રાજાણીની નિમણુંક થઇ હતી. તેના થોડા દિવસોમાં જ મહાપાલિકામાં કોંગ્રેસને ફરી નવુ બળ મળે તેવી ધારણા છે.