રાજકોટમાં કોલેરાનો વધુ ૬ શંકાસ્પદ કેસ મળી આવતા વિસ્તારને કલેક્ટરે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. રામનગરમાં કોલેરાનો શંકાસ્પદ કેસ જોવા મળતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે.હજુ ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદનું પ્રમાણ થોડેક અંશે નબળું પડ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨ મહિનાથી વરસાદે ગુજરાતને ધમરોળ્યું છે. હવે ધીરે ધીરે વાતાવરણ ખુલી રહ્યું છે. વરસાદ બંધ થતાં રોગચાળો ફેલાવાનું શરૂ થઈ ગયું છે. દૂષિત પાણીથી થતા કોલેરા રોગચાળો ઠેર ઠેર ફાટી નીકળ્યો છે. રાજકોટમાં અત્યાર સુધી કોલેરાનો ૬ કેસ નોંધાતા ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ બાદ કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મુશળધાર વરસાદથી ઘેડ પંથક, જામનગર, રાજકોટ જળબંબાકાર થયા છે. પરિસ્થિતિ વધુ વણસી ન જાય માટે ૪ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. અલગ અલગ વિસ્તારમાં કોલેરાનો ૧ કેસ નોંધાતા રાજકોટ કલેક્ટરે કોલેરા રોગચાળો ન ફેલાય તે હેતુથી અસરગ્રસ્ત વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના તાવથી યુવકનું મોત થયું છે. યુવકનું મોત છતાં મહાનગરપાલિકા અજાણ બની છે તેમ જણાઈ રહ્યું છે. બીજી બાજુ સિવિલમાં દરરોજ થાય છે ૨ હજાર દર્દીઓથી ઓપીડી ભરાઈ જવાના કેસો સામે આવ્યા છે.
થોડા દિવસ અગાઉ ઉપલેટામાં ૨ બાળકોના મોત થયા હતા. રાજકોટ શહેરમાં કોલેરાથી મોત થયાના કેસ સામે આવ્યા નથી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના ૨૫૦ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોલેરાથી બચવા માટે આરોગ્ય વિભાગે બહારની કોઈ પણ ચીજવસ્તુનું સેવન ન કરવાની સૂચના આપી છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં જાન્યુઆરીથી અત્યારસુધીમાં ૨૫૩ કેસ નોંધાયા છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૧૯૩ કોલેરાના કેસ નોંધાયા છે અને ઓગસ્ટ મહિનામાં ૨૨ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં જૂન મહિનામાં એક પણ કોલેરાનો કેસ નોંધાયો ન હતો. જ્યારે જુલાઈ મહિનામાં ચોમાસા દરમિયાન કોલેરાના ૧૨ જેટલા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં આ સિઝનમાં ૧૩ જેટલા કોલેરાના કેસ સુરતમાં નોંધાયા છે. વડોદરા મહાનગરપાલિકામાં અત્યારસુધીમાં ૨૨૫ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી કુલ ૨૮ કેસ કોલેરાના નોંધાયા છે. આ આંકડા ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આજ દિવસ સુધીના છે.
રાજકોટ શહેરમાં કોલેરાના રોગચાળાને ફેલાતો અટકાવવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય ખાતાની ગાઈડલાઈન મુજબ બરફ બનાવવા માટે પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે. ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. વરસાદથી હાલ પાણી દૂષિત થવાની શક્યતા રહેલી હોવાથી પાણી ગાળીને પીવું. રહીશોએ તમામ મકાનોમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવી. જમતા પહેલા સાબુથી હાથ ધોવા. આ ઉપરાંત ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા.
શાકભાજી કે ફળફળોના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળો કાપીને ખુલ્લા ન રાખવા. તેમજ વાસી ખોરાકને ઉપયોગમાં ન લેવો. જમતા પહેલા સાબુથી હાથ ધોવા. કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી દરરોજ રાજકોટ મહાગરપાલિકાના આરોગ્ય અધિકારીને આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. હાલ રાજકોટ આરોગ્ય વિભાગ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. નેશનલ હેલ્થ પોર્ટલના એક રિપોર્ટ અનુસાર અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગર સાબિત થઇ શકે છે. જેમાં ખૂબ પાણી પીવાથી કોલેરાથી છૂટકારો મેળવી શકાય છે. તો કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે.