રાજકોટમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠીમાં દરોડો: ૪૪૦૦ લીટર આથા સાથે બે મહિલા ઝડપાઇ

રાજકોટ, ચુનારાવાડ અને કુબલીયાપરામાં ચાલતી દેશીદારુની ભઠ્ઠીમાં થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી બે મહિલાને ૪૪૦૦ લીટર આથો અને દેશીદારુ ભઠ્ઠીના સાધનો મળી કુલ રુા.૧૦ હજારનો મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

દરોડાની વિગત અનુસાર થોરાળા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ જનકાતની રાહબરીમાં એસએસઆઇ જગદિશ નીમાવત અને કોન્સ. કિરણ પરમાર સહિતના સ્ટાફે પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે ચુનારાવાડ શેરી નં.૫/૬ના ખુણે વોંકળા કાંઠા ચાલતી દેશીદારુની ભઠ્ઠીમાં દરોડો પાડી દેશી દારુ ૧૫ લીટર, ઠંડો આથો ૧૫૦ લીટર અને ગરમ આથો બે હજાર લીટર સાથે અનુબેન ગોવિંદ રાઠોડને દબોચી કુલ રૂા.૪૯૯૦નો મુદામાલ કબજે કર્યો હતો.

બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિક્રમભાઇ લોખીલ અને કોન્સ. સહદેવસિંહ જાડેજા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કુબલીયાપરા મફતીયાપરા નદીના કાંઠે રહેતા મનીષાબેન ઉર્ફે મુન્ની વિનોદ સોલંકીના મકાનમાં ચાલતી દેશી દારુની ભઠ્ઠીમાં દરોડો પાડી આથો ૨૨૦૦ લીટર અને દેશીદારુ ૬૦ લીટર તેમજ દેશી દારુ બનાવવાના સાધનો મળી રુા. ૫૬૦૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.