આજકાલના યુવાનોમાં નશો કરવો જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગે છે. કુલ દેખાવાના ચક્કરમાં અને નશાનો મોહ ઘણી વાર મોંઘો પડતો હોય છે. આવો જ એક બનાવ શહેરમાંથી સામે વાયો છે. ૨૨ વર્ષના યુવાનને પોતાના મિત્ર સાથે દારૂની મેહફીલ માણવી ભારે પડી હોવાનું સામે આવ્યું છે. બે મિત્રો વચ્ચે દારૂ વચ્ચે શરૂ થયેલો ડખ્ખો હત્યા સુધી પહોંચ્યો હતો. દારૂના ડખ્ખામાં શરૂ થયેલી બોલાચાલી એક મિત્રને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે કે બીજા મિત્રને આ દુનિયામાંથી બહાર કરી દીધો છે.
બનાવની વિગતો જોઈએ તો, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટી પાસેના ખુલ્લા પ્લોટમાંથી ૨૨ વર્ષીય વિનોજ રાકુચા નામના વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો. ઘટનાની તપાસ કરતા પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત બનાવ સ્થળની આજુબાજુ રહેતા કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેતા પોલીસને ખબર પડી કે,અંતિમ સમયમાં વિનોજ સાથે અજય વાજેલિયા નામનો તેનો મિત્ર તેની સાથે હતો. પોલીસ દ્વારા અજય વાજેલિયાનું લોકેશન તપાસતા બનાસકાંઠાના રાધનપુર પાસેથી મળી આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આરોપીને રાધનપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં દારૂ બાબતે માથાકૂટ છતાં અજય વાજેલીયા દ્વારા પથ્થરના ઘા ઝીંકીને પોતાના જ મિત્રની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત આપી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અજય વાજેલીયા શાકભાજીની લારી ચલાવતો હોવાનું જણાવ્યું છે. તેમજ પોતે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિનોજ ભંગારની લારી કાઢીને પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. શનિવારના રોજ સવારના આઠ વાગ્યે ભંગારની ફેરી કાઢવા માટે ઘરેથી નીકળ્યો હતો. છેલ્લી વાર બપોરના ત્રણ વાગ્યે પરિવારજનો સાથે વાતચીત થઈ હતી. ચાર વાગ્યે આસપાસ પરિવારજનો દ્વારા ફોન કરવામાં આવતા ફોન નો રીપ્લાય આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા રાજકોટના રામાપીર ચોકડી પાસે આવેલા ભંગારના ડેલા ખાતે જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિનોદ આજે ભંગાર આપવા નથી આવ્યો. ત્યારબાદ વિનોજની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે રાત્રિના દસ વાગ્યા સુધીમાં પણ વિનોજની ભાડ ન મળતા પરિવારજનોએ પોલીસને તેની ગુમ થયો હોવાની ગુમશુધા નોંધ કરાવી હતી.