
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને મોટા પ્રમાણમાં વિદેશી દારુના જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોય છે. સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) ને બાતમી મળવાને લઈ શામળાજી થી ચિલોડા હાઈવે પર બાજ નજર રાખવામાં આવી હતી. SMC ની ટીમે આવી જ રીતે એક ટ્રકને ઝડપી લઈને તલાશી લેતા જેમાં ગુપ્ત ખાનુ બનાવીને તેમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારુ ઝડપાયો છે. ટ્રક પર સતત નજર રાખવા માટે GPS ટ્રેકર રાખવામાં આવ્યુ હતુ.

પ્રાંતિજ પોલીસ મથકે નોંધવામાં આવેલી ફરીયાદ મુજબ 38.68 લાખ રુપિયાનો વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. પોલીસે ચાલક સહિત 2 લોકોની ધરપક઼ડ કરી છે. પોલીસે 6 લોકોની સામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. SMC ટીમે દારુ ભરી આપનાર બુટલેગર થી લઈને ગુજરાતમાં રીસીવ કરનારાઓને પણ આરોપી તરીકે સામેલ કરીને તેમની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.
રાજસ્થાન તરફથી વિદેશી દારુનો આ વિશાળ જથ્થો ટ્રક મારફતે રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. આ અંગેની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળી હતી. જેને લઈ ટીમ દ્વારા આ ટ્રકને લઈ નેશનલ હાઈવે પર ટ્રેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટીમને ટ્રક ટ્રેક થતા તેને પ્રાંતિજના ટોલ પ્લાઝા નજીક ઓરણ ગામની સીમ પાસે અટકાવવામાં આવી હતી. પોલીસે તેને અટકાવીને તેને તપાસ કરતા ટ્રકમાં એક વિશાળ ગુપ્ત ખાનુ બનાવ્યુ હતુ. આ ખાનામાં દારુનો વિશાળ જથ્થો મળ્યો હતો.
ટ્રકમાં ગુપ્ત ખાનાની આગળ આરોપી શખ્શોએ પરાળ-ભૂસાને બોરીઓમાં ભરીને ગોઠવી દેવામાં આવી હતી. લગભગ 280 નંગ જેટલી બોરીઓ ભરીને તેની પાછળ દારુનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. આમ પોલીસની આંખમાં રસ્તામાં ધૂળ નાંખી શકાય અને પોલીસથી બચી શકાય. આમ કરીને જ આ ટ્રક અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં ઘૂસી હતી. જોકે આ દરમિયાન બાતમીને આધારે હવે SMCની ટીમે તેને ગાંધીનગર જિલ્લાની હદમાં પહોંચવા પહેલા પહેલા જ ઝડપી લીધી છે. આ ટ્રક ગાંધીનગર અને અમદાવાદ થઈને રાજકોટ જનારી હોવાની વિગતો ટીમને સામે આવી છે.
ઝડપાયેલ આરોપી
- પરસારામ જેવતારામ સિવર (બિશ્નોઈ) રુડકલી, તા. મંડોર, જિ. જોધપુર, રાજસ્થાન
- સોહનલાલ રાણારામ સિવર (બિશ્નોઈ) રુડકલી, તા. મંડોર, જિ. જોધપુર, રાજસ્થાન