રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે જયેશ રાદડિયા ત્રીજી વાર ચૂંટાયા

રાજકોટ,

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન-વાઈસ ચેરમેન રિપીટ કરાયા છે. સહકારી બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયા અને વાઈસ ચેરમેન મગન વડાવિયા યથાવત્ રહેશે. રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન-વાઈસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ હતી. જેને લઈ જિલ્લા સહકારી બેંકના તમામ ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી. જેમાં ચેરમેન-વાઇસ ચેરમેનને રીપીટ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે જયેશ રાદડિયા સતત ત્રીજી વાર રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન બન્યા છે. મહત્વનું છે કે, આ વખતે સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ પદ્ધતિ લાગુ થઈ હતી. જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયા પ્રદેશ ભાજપ તરફથી મેન્ડેટ લઈને આવ્યા હતા અને ચેરમેન-વાઈસ ચેરમેનને રિપિટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

જયેશ રાદડિયાનું પૂરું નામ જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. જયેશ રાદડિયાનો જન્મ ૮ ડિસેમ્બર, ૧૯૮૧ના રોજ રોજકાટના જામ કંડોરણામાં થયો હતો. જયેશ દારડિયાના પિતાનું નામ વિઠ્ઠલભાઈ રાદડિયા અને માતાનુ નામ ચેતનાબેન રાદડિયા છે. જયેશ રાદડિયા કુલ ૪ ભાઈઓ વૈભવ, જયેશ, કલ્પેશ અને લલિત છે. જો કે કલ્પેશ અને લલિત રાદડિયાના નાની વયે અવસાન થયેલુ છે.

જયેશ રાદડિયાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ ૨૦૦૧માં વડોદરાની એમ એસ યુનિવસટીમાંથી સિવિલ એન્જીનિયરિંગમાં બી.ઈનો અભ્યાસ કર્યો છે. આમ શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ તો તેમની ગણતરી શિક્ષિત નેતાઓમાં થાય છે. જયેશ રાદડિયાના પત્નીનું નામ મિત્તલબેન રાદડિયા છે. તેમના પરિવારમાં તે પોતે, તેમના પત્ની, દીકરી ક્રિષ્ના અને દીકરો માહિક છે.

જયેશ રાદડિયાએ પોતાના એમ.એસ.યુનિવસટીના કોલેજકાળથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. યુનિવસટીમાં જયેશ સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા, જે ભારતમાં વિદ્યાર્થીઓની વૈધાનિક કોર્પોરેટ સંસ્થા છે અને ત્યાં તેમણે એક લીડર તરીકેની ભૂમિકા ભજવી હતી. આ બાદ વર્ષ ૨૦૦૯માં જયેશ કોંગ્રેસના ટિકિટ પર ધોરાજી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું. વર્ષ ૨૦૧૨માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર જેતપુરથી વિધાનસભાની સીટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.