ભાજપની લકી બેઠક પર ડો.દશત્તા શાહ, પૂર્વમાં કાનગડ અને દક્ષિણમાં પાટીદાર અગ્રણી ટીલાળા ટિકિટ અપાઈ
રાજકોટ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. કેન્દ્રીય પાર્લામેન્ટ્રીની ચાલેલી ૩ કલાકની બેઠક બાદ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં ભાજપની લકી બેઠક એવી રાજકોટ પશ્ર્ચિમ-૬૯ પર ડો. દર્શીતા શાહ, રાજકોટ પૂર્વ ૬૮માં ઉદય કાનગડ અને જેમના માટે ખુદ નરેશ પટલે સહિતના પાટીદાર નેતાઓએ લોબિંગ કર્યું હતું એવા પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાને દક્ષિણ બેઠકની ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાની કુલ ૮ પૈકી ૭ બેઠક પર ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ધોરાજીને બાદ કરતા તમામ ૭ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરની ૩ તેમજ ગ્રામ્યની ૧ બેઠક પર તમામ નવા નામો જાહેર કરવામાં આવ્યા છે. જયારે જસદણ, જેતપુર અને ગોંડલ બેઠક પર ભાજપે રિપીટ થિયરી અપનાવી છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તેની પાછળ રાજકોટનો સિંહફાળો છે. કારણ કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ રાજકોટની પશ્ર્ચિમ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. આ બેઠક ભાજપ માટે લક્કી છે. જે અહીંથી ચૂંટણી લડે તે મુખ્યમંત્રી કે વડાપ્રધાન બન્યા છે.ડો.દશતા શાહ સતત બે ટર્મથી રાજકોટના ડેપ્યુટી મેયર છે
પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ, રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને શાસકપક્ષના પૂર્વ નેતા ઉદયભાઇ કાનગડ છે. કોર્પોરેટર તરીકે ચારવાર ચૂંટાયા અને ચારેયવાર પક્ષે તેઓને મહત્વપૂર્ણ હોદ્દો આપ્યો હતો. ગુજરાતમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ પણ તેઓના નામે જ છે. વર્ષ ૧૯૯૫માં પ્રથમવાર મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા તેઓ જંગી લીડથી વિજેતા બન્યા ૧૯૯૭માં તેઓને રાજકોટના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન પ્રાપ્ત થયું ત્યારે તેઓએ રાજ્યમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
રમેશ ટીલાળા લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે રમેશ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે ૧૫ જાન્યુઆરી ૧૯૬૪ના રોજ થયો હતો. ૧૦ ધોરણ પાસ રમેશ ટીલાળા પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા તેઓને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો હતો. આ વિચારની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ ૭ ઇન્ડસ્ટ્રી ધરાવે છે.સાથે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ, એ.પી. પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ હતી. પરંતુ ટીલાળા ચેરમેન બન્યા બાદ આજે તેઓ આ વિસ્તારને આગળ વધારવા ખૂબ મહેનત કરી રહ્યા છે.
જસદણ બેઠક પર પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, જેતપુર બેઠક પર જયેશ રાદડિયા અને ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હાલ આ ત્રણેય નેતાઓના દ્વારા ટિકિટ મળ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગોંડલ બેઠક ઉપર છઠ્ઠી વખત ટિકિટ મેળવનારા જયરાજસિંહ જાડેજા પરિવારના ગીતાબા જાડેજાએ જણાવ્યું કે, ભાજપે છઠ્ઠી વખત અમારા ઉપર વિશ્ર્વાસ કરીને મને વિધાનસભાની ટિકિટ આપી છે ત્યારે હું પક્ષનો આ વિશ્ર્વાસ સાર્થક કરી બતાવીશ. હું વિધાનસભા ચૂંટણીમાં વિકાસના મુદ્દા સાથે ઉતરીશ. આમ તો ગોંડલ બેઠક ઉપર દરેક ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ હોવાનું કહેવાઈ રહ્યું હોય છે પરંતુ જીત હંમેશા ભાજપની જ થતી આવી છે. આ વખતે પણ અહીંની જનતા ભાજપને ખોબલે ખોબલે મત આપનાર હોવાથી મારી ૨૫,૦૦૦થી વધુ મતની લીડથી જીત નિશ્ર્ચિત છે.જસદણ બેઠક ઉપરથી કુંવરજી બાવળિયાને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે તેમણે ભાજપ હાઇકમાન્ડનો આભાર માન્યો હતો અને જંગી બહુમતી સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય બેઠક પર લાખાભાઈ સાગઠીયાના બદલે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવે તેવી પુરી શક્યતા છે. ભાનુબેન બાબરિયાએ રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર ૧ના કોર્પોરેટર છે.ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.તેમના સસરા માધુભાઈ બાબરીયા પણ પૂર્વ ધારાસભ્ય છે.