રાજકોટ, રાજકોટ જિલ્લામાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં મેઘ પધરામણી થઈ ચૂકી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી કરીને જિલ્લાના તમામ મોટા જળાશયોમાં નવા નીર આવ્યા છે.
રાજકોટ જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એમાં પણ ખાસ કરીને જામકંડોરણા પંથકમાં એક જ દિવસમાં છ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો. જેથી કરીને સોડવદર ડેમમાં ૧૨.૧૪ ફૂટ નવા નીર આવ્યા હતા. જેતપુર અને ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોજ ડેમમાં ૪.૭૯ ફૂટ નવા નીર આવ્યા હતા.
આ ઉપરાંત શાપરવાડી ડેમમાં ૪.૨૭ ફૂટ સુધી નવા નીર આવ્યા હતા. ફોફળ ડેમમાં ૬.૫૦ ફૂટ નવા નીર આવ્યા હતા. ભાદર બે ડેમમાં પણ ૨.૨૦ ફૂટ નવા નીર આવ્યા હતા. આજે ત્રણમાં ૧.૪૭ ફૂટ, ડોંડી ડેમમાં ૦.૯૮ ફૂટ, ગોંડલના વેરી ડેમમાં પણ ૦.૪૯ ફૂટ નવા નીર આવ્યા હતા. ન્યારી એક ડેમમાં ૦.૧૬ નવા નીર આવ્યા હતા. રાજકોટ જિલ્લાના જળાશયોમાં નવા નીર આવતા ખેડૂતો અને લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં જ જળાશયોમાં નવા નીરની વિપુલ માત્રામાં આવક થતાં લોકોને પણ આશા જાગી છે કે હવે આવતા વર્ષે પાણીની સમસ્યા રહેશે નહીં.