રાજકોટ, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ૩ ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ભરાયા છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે.
ઉમવાડા અંડર બ્રિજમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ખેડામાં પણ ભારે વરસાદના પગલે વરસાદી પાણીમાં કાર ફસાઈ છે. ખેડાના નડિયાદના શ્રેયસ ગરનાળામાં કારમાં સવાર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો.જેનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
દરમિયાન મહિસાગર જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો છે. ખાનપુર, વીરપુર, દીવડા, સંતરામપુર, કડાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લુણાવાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દરકોલી દરવાજા, હાટડીયા બજારમાં પણ પાણી ભરાયા છે. હુસેની ચોક, અસ્થાના બજારમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.