રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ : જે પકડાયેલા છે તે ટાઉન પ્લાનિગના અધિકારીઓ છે મોટી માછલી કેમ નથી,

ગુજરાત હાઈકોર્ટે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે તંત્ર સામે લાલ આંખ કરી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને હાઈકોર્ટે દાખલ કરેલ સુઓમોટો રિટમાં સુનાવણી હાથ ધરતા હાઈકોર્ટે કહ્યું કે, ટીઆરપી ગેમ ઝોનના ઉદ્ઘાટન પ્રંસગે ગયેલા સનદી અધિકારીઓ સામે કે જવાબદાર હોય તેવા અધિકારી સામે ડીસિપ્લીનરી પગલાં લેવા જોઈએ અથવા તો તેમની સામે ફેકટ ફાઈન્ડિંગ ઇક્ધવાઇરી કરવી જોઈએ. મોરબી, રાજકોટ અને વડોદરા ઘટના પરથી સામે આવ્યું છે કે કોર્પોરેશન તેમનું કામ બરાબર નથી કરી રહી.

હાઈકોર્ટની સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે, રાજ્યમાં આગની ઘટનાને લઈને અગાઉ હાઇકોર્ટે અનેક આદેશ આપ્યા હતા છતાં પણ તેનું પાલન કરવામાં આવ્યું નથી. બીજી તરફ અધિકારીઓની બેદરકારીથી આ આગ લાગી અને લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટે તમામ કમિશનરની એફિડેવિટ સ્વીકારવા ઇક્ધાર કર્યો હતો. સાથોસાથ કહ્યું કે, ૧૫ દિવસમાં તપાસ કરો અને અમને રિપોર્ટ આપો. અમે SIT રિપોર્ટની રાહ નહીં જોઈએ. આ રિપોર્ટમાં દરેક અધિકારીઓના નામ સહિતની માહિતી અમને જોઇએ, અમે કંઈ પણ ચલાવી લેવા માંગતા નથી. SIT એ ડિપાર્ટમેન્ટલ તપાસ નહી કરે. અમે મોરબીમાં પણ એક વર્ષ સુધી રાહ જોઈ હતી.

હાઈકોર્ટની આકરી ટકોર બાદ, રાજ્ય સરકારે દલીલ કરતા જણાવ્યું હતું કે, અમે ૯ અધિકારીની ધરપકડ કરી છે. તેના ટપારતા હાઈકોર્ટે કહ્યું કે, એ માત્ર ટાઉન પ્લાનિંગ ઓફિસર છે. મોટી માછલી જે ઓપનિંગમાં હાજર હતી તે ક્યાં છે ? એ લોકો ક્યાં છે ? કેમ તમે એમને હજુ સુધી પકડ્યા નથી ? એ લોકોને ખબર હતી કે આ પ્રકારની કોઈ જગ્યા છે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, જો તમે કોઈને ૧ રૂમ બાંધતા નહી રોકી શકો તો તેને ૧૦ રૂમ કરતા પણ નહી જ રોકી શકો. આ બાંધકામ રાતોરાત તો નહીં જ થયું હોય. જે રજૂ કરવું હોય બ્લેક એન્ડ વ્હાઇટમાં રજૂ કરો. શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીને તપાસ કરવા નિર્દેશ આપીએ છીએ. એક પણ જવાબદારી અધિકારીઓ છૂટવો ન જોઈએ. આ એ કામ નથી જે બાળપણમાં ભૂલથી થાય.

દરમિયાન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો. તરફથી બ્રિજેશ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત રાજ્યના મુખ્ય ફાયર ઓફિસર જ અન કવોલીફાઈડ છે. હાઈકોર્ટે હુકમ કર્યો છે કે, રવિવાર સુધીમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને તપાસ કરવા નિર્દેશ કરતા કહ્યું કે, ૩ સભ્યોની તપાસ કમિટીની રચના કરી ખાતાકીય તપાસ કરો. SIT ને તેમની રીતે રિપોર્ટ રજૂ કરવા દો, અને આ ફેકટ ફાઇન્ડિંગ કમિટીને પણ તેમની રીતે તપાસ અહેવાલ રજૂ કરવા દો. આ સંપૂર્ણ સ્વતંત્ર તપાસ હોવી જોઈએ. ૪ જુલાઈના રોજ અમને રિપોર્ટ જોઈએ છે. શિક્ષણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને જિલ્લા વાઇસ શાળાઓની તપાસ કરવા નિર્દેશ આપતા હાઈકોર્ટે કહ્યું કે, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ પ્લે ગ્રુપ, પ્રિ પ્રાયમરી, પ્રાયમરી, સહિતની શાળાઓમાં તપાસ કરો. ૩ થી ૬ વર્ષની વયજૂથનાં બાળકો ભણતા હોય ત્યાં પણ તપાસ કરવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે.