રાજકોટ ભાજપના મહિલા નેતાના પતિનું કારસ્તાન, ફરિયાદમાં પોતે કોર્પોરેટર કહી પોલીસને ગેરમાર્ગે દોરી

રાજકોટ, મહિલા સશક્તિકરણની વાતો જોરશોરથી કરવામાં આવે છે અને રાજનીતિમાં મહિલાઓને પૂરતું પ્રાધાન્યના દાવા કરવામાં આવે છે, પરંતુ મહિલાઓના નામે ચૂંટણી જીતીને તેમના પરિવારના જ પુરૂષો પદાધિકારી તરીકે રોફ જમાવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જયાં શહેરના વોર્ડ નંબર-૫ના ભાજપના મહિલા કોર્પોરેટર વજી ગોલતરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની ઓળખ ભાજપના કોર્પોરેટર તરીકે આપી હતી.

ઘટનાની વાત કરીએ તો, ગત ૨ જુલાઈના રોજ સંતકબીર રોડ મંછાનગર શેરી નંબર ૧૦માંથી કચરાના ઢગલામાંથી માનવભ્રુણ મળી આવ્યું હતું. જે મુદ્દે મહિલા કોર્પોરેટરના પતિ કવા ગોલતરે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મહિલા કોર્પોરેટરના પતિના ફરિયાદના આધારે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદમાં પત્નીની જગ્યાએ પોતે કોર્પોરેટર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહિલા કોર્પોરેટરના પતિ સંતકબીર રોડ પર ખાનગી ડેરી ચલાવે છે અને તેમના પત્ની વોર્ડ નંબર-૫માં ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે.