રાજકોટ: બનેવીને સાળાને ઉછીના રૂપિયા આપવા પડ્યા ભારે, રૂપિયા તો ઠીક જીવ પણ ગયો

રાજકોટ: શહેરના રોકડિયા પરા વિસ્તારમાં રહેતા અયુબભાઈ કુરેશી નામના વ્યક્તિએ ગત સાત જુલાઈ 2023ના રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બેભાન હાલતમાં તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શનિવારના રોજ ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયું હોવાનું ફરજ પર હાજર રહેલા તબીબે જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મૃતકને મરવા માટે મજબૂર કરનારા મૃતકના સાળા સહિત ચાર વ્યક્તિઓ સામે પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે આઇપીસી 306, 114 અંતર્ગત ઇમરાન ભાઈ બેલીમ, આમદભાઈ બેલીમ, હનીફભાઈ બેલીમ તેમજ રુક્ષાના બેલીમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે.

આ સમગ્ર મામલે મૃતકના નાનાભાઈ ઇમ્તિયાઝ કુરેશી દ્વારા પ્રદ્યુમનનગર પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત સાતમી તારીખના રોજ અયુબભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેમના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ઇમરાન બેલીમ મારી પાસેથી નવ લાખ કારખાનું કરવા લઈ ગયો છે. સાથે જ પૈસા માગીશ તો તને મારી નાખીશ તે પ્રકારની મને ધમકી પણ આપેલી છે.

ઐયુબભાઈએ મારી ભાભી મરિયમ બેન તેમજ તેમના ભાઈ ઇમરાન બેલીમ, હુસેન બેલીમ સહિતને આશરે આઠેક વર્ષ પૂર્વે 2016થી લઈ 2019 સુધી કટકે-કટકે 9 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. પરંતુ પૈસા પરત માગતા મારી ભાભી મરિયમ બેન રીસામણે જતી રહી હતી. ત્યારે ઇમરાન બેલીમ, અહમદ બેલીમ, હનીફ બેલીમ તેમજ રૂક્ષાના બેલીમ દ્વારા અવારનવાર ફોન કરીને પૈસા પાછા આપવા નથી, તેમ કહી ધમકી આપતા હતા. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીઓ કેટલા સમયમાં ઝડપાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.