રાજકોટના અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નશ્યત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)નો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં ફાયર સહિતના વિભાગોની લાપરવાહી બહાર આવી છે. જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે હજુ તપાસ ચાલી છું.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઇને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) તપાસ બાદ રાજ્ય સરકાર રિપોર્ટ સુપરત કરી દીધો છે. તપાસ દરમિયાન ચાર આઇએસ અને એક આઇપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ફાયર સહિતના અનેક વિભાગોની લાપરવાહી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાને લઇને હજુ તપાસ ચાલુ છે. રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ૨૦ જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ તેમાં કામગીરી અધુરી હોવાથી વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સુઓમોટો લઇને ૨૭ મેના રોજ સુનાવણી કરી હતી ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ૭૨ કલાકની અંદર સીટનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે. પરંતુ આજે રાજકોટ અગ્નિકાંડના ૨૮ દિવસ બાદ સીટનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૨૭ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.