રાજકોટ આગકાંડમાં ૨૮ હોમાયા બાદ પહેલીવાર ૬ સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયા

રાજકોટ, રાજકોટના આગકાંડમાં ૨૮ લોકો હોમાયા બાદ હવે સરકાર જાગી છે. સરકાર પર સવાલ ઉઠતા જ મોટું એક્શન લેવાયું છે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, આરેએન્ડબીના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ પોલીસના બે સિનિયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. આમ, કુલ ૬૫ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીટની ટીમ હજી પણ રાજકોટમાં છે. ત્યારે હજુ મોટા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની શકયતા છે. તપાસ દળ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ પોલીસ કમિશનરની પણ પુછપરછ થઈ છે. આ બંનેને રાતે અઢી વાગ્યા સુધી બેસાડી રાખવામા આવ્યા હોવાની માહિતી ઉપલબ્ધ થઇ રહી છે.અધિકારીઓની ભૂલ અંગે તપાસનો રિપોર્ટ સોંપાશે. પહેલીવાર સરકારે સરકારી બાબુઓ પર એક્શન લીધું છે.

જે લોકોને સસ્પેન્ડ કરાયા છે તેમાં જયદિપ ચૌધરી આસિ. એન્જિનીયર,આરએમસી,એમ.આર.સુમા નાયબ કાર્યપાલક ઈજનેર, આરએન્ડબી,ગૌતમ ડી.જોશી, આસિ. ટાઉન પ્લાનર,આરએમસી, વી.આર.પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ તાલુકા પોલીસ સામેલ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરિક્ષણ કર્યું હતું, તથા આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સુચનાઓ આપી હતી, જેને પગલે રાજ્ય સરકારે ૬ અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજમોકુફી (સસ્પેન્શન)ના આદેશો કર્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલિસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના ૬ અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.