રાજકોટ, ક્ષત્રિય સમાજ સાથેના વિવાદ વચ્ચે પુરશોત્તમ રૂપાલા આગામી ૧૬ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. ક્ષત્રિય સમાજ ભલે રૂપાલાને ટિકિટ કાપવામાં આવે તેવી માગ કરે, પરંતુ આટલા વિરોધ વચ્ચે પણ પુરષોત્તમ રૂપાલા ચૂંટણી લડવા મક્કમ છે…ભાજપની જાહેરાત મુજબ રૂપાલા ૧૬ એપ્રિલે રાજકોટના બહુમાળી ભવન ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના દાવા પ્રમાણે તે દિવસે ખુબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહેશે…ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે રૂપાલાના ફોર્મ ભરવાના સમાચારથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધે તો કોઈ નવાઈ નહીં…
રાજકોટમાં ભાજપના કોર્પોરેટર કેતન પટેલે કહ્યું કે, ૧૬ એપ્રિલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા વિજય વિશ્ર્વાસ સંમેલન યોજવામાં આવશે. જંગી સભા બાદ રૂપાલા ફોર્મ ભરવા જશે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા ઉમેદવારી નોંધાવશે. રાજકોટમાં આશરે ૨૫ હજાર જેટલા કાર્યકરોની હાજરીમાં રૂપાલા રાજકોટથી પોતાની ઉમેદવારી નોંધાવશે.
રૂપાલાએ થોડા દિવસ પહેલાં એક સભામાં કહ્યું હતું કે બ્રિટિશ શાસન દરમિયાન રાજાઓ અને મહારાજાઓએ પોતાનું માથું ઝુકાવી દીધું હતું અને તેમની સાથે રોટી-બેટીનો સંબંધ બનાવી લીધો હતો, પરંતુ દલિત સમાજથી આવનારા રુખી સમાજે પોતાનું માથું નહોતું નમાવ્યું. એટલા માટે તેમને હું સલામ કરું છું અને આ જ વાત હતી, જેણે સનાતન ધર્મને જીવિત રાખ્યોપ જય ભીમ… રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. રૂપાલા ૩ વાર માફી માગી ચૂક્યા છે પણ ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ કાપવાની વાત પર અડગ રહ્યો છે. જેને પગલે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિયો પણ નારાજ છે. હવે આ આંદોલન ક્ષત્રિય સમાજને તો એક કરી દેશે પણ ક્ષત્રિય સમાજના નેતા કોણ એ પર સીધો સવાલ ઉઠાવશે, રાજનાથસિંહનું આ મામલમાં નિવેદન સાબિત કરી રહ્યું છે કે ભાજપને પણ અંદરો અંદર ડર છે કે આ વિવાદ દેશમાં ન વકરે.. ક્ષત્રિય સમાજ ભાજપને રાજસ્થાન, મયપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં નુક્સાન કરી શકે છે.