રાજકોષીય ખાધને રોકવા સરકાર લગામ ક્સશે: ત્રણ વર્ષમાં પહેલીવાર ખર્ચમાં કપાતના પગલાં


નવીદિલ્હી ,
કેન્દ્ર સરકાર હાલના નાણાકીય વર્ષમાં રાજકોષીય નુક્સાનને નિશ્ચિત લક્ષ્યમાં રાખવા માટે સરકારી ખર્ચમાં ત્રણ વર્ષમાં પહેલી વાર કપાત કરી શકે છે. આ કપાત ચાલુ નાણાકીય વર્ષની અંતિમ ત્રિમાસિકમાં કરી શકે છે. ખર્ચમાં કપાત એ રીતે કરવામાં આવશે, જેથી જીડીપી ગ્રોથ પર તેની અસર ઓછામાં ઓછી પડે. ઉલ્લેખનીય છે કે સરકાર પહેલા પણ કહી ચૂકી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય નુક્સાનને જીડીપીના ગુણોતરમાં ૬.૪ ટકા રાખવા માટે તે દરેક સંભવ પ્રયાસ કરશે.

સરકાર નાણાકીય નુક્સાન પર લગામ લગાવવાના ઉપાય કરી રહી છે, જે હાલ ૪થી૫ ટકાના ઐતિહાસિક સ્તરથી ઉપર છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોના મહામારીના પહેલા વર્ષ દરમિયાન નુક્સાન ૯.૩ ટકા વધી ગયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બારામાં મહામંથન ચાલી રહ્યું છે. કયા કયા સરકારી ખર્ચમાં કાપ મુકવામાં આવે તે બારામાં હજુ નિર્ણય નથી લેવામાં આવ્યા. સરકારી આવક અને ખર્ચ વચ્ચેના અંતરને રાજકોષીય નુક્સાન કહેવામાં આવે છે. ૧ એપ્રિલથી શરૂ થયેલા ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં કુલ સરકારી ખર્ચ ૩૯.૪૫ લાખ કરોડ થઈ શકે છે. રાજકીય નુક્સાન નિશ્ચિત લક્ષ્યની અંતર રહે તે માટે પગલા પણ ઉઠાવવામાં આવશે.

આઈએમએફે સ્પષ્ટ કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં ગ્લોબલ મંદી આવી શકે છે તેથી હાલત બગડી શકે છે. આ કારણે જ સરકાર ચાલુ ખાતાના મોરચે વધુ રિસ્ક લેવા નથી માંગતી. બીજી બાજુ ગ્લોબલ રેટીંગ એજન્સી ફિચ રેટીંગ્સનું કહેવું છે કે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય નુક્સાનનું લક્ષ્ય હાંસલ નહીં કરી શકે. ભારતનું નાણાકીય નુક્સાન નિશ્ચિત લક્ષ્યથી વધુ હશે. ફિચનું કહેવું છે કે ભારતની ઈકોનોમીની જે હાલત છે તેને જોતા ભારતને સબસીડી અને અન્ય બાબતોમાં વધુ ખર્ચ કરવો પડશે, ત્યારે તેનો ખર્ચ વધતો જશે.