રાજકોટ અગ્નિકાંડ: કલેકટર, મ્યુનીસીપલ કમિશનર, મેયર,સહીત તમામ જવાબદાર અધિકારીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવે,અમિત ચાવડા

રાજકોટ, રાજકોટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ગોજારા બનાવમાં ૩૦ કરતા વધારે માસુમ બાળકો અને સ્વજનો ગુમાવ્યા છે, તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના.

આ અગ્નિકાંડથી જે મોત થયા છે તે કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ હત્યાકાંડ છે. આ કુદરતી અકસ્માત કે આફત કરતા સરકાર સજત ગુન્હાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે. આ કઈ પહેલો બનાવ નથી, થોડાક વર્ષોમાં સુરતમાં તક્ષશિલાકાંડમાં અનેક માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા, મોરબીમાં પુલ તૂટી પડ્યો એમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, વડોદરામાં બોટ ડૂબવાને કારણે અનેક માસુમ બાળકોના જીવ ગયા, રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાને કારણે પણ બાળકોએ જીવ ગુમાવ્યા છે. એક પછી એક બનાવો બનતા જાય અનેક લોકો જીવ ગુમાવે, પરિવારજનો સ્વજનો ગુમાવે ત્યારે સરકાર તપાસના આદેશો જારી કરે અને SIT ની રચના કરે, થોડી સહાયની જાહેરાત કરે અને થોડા સમય પછી આવા બનાવોને ભૂલી જવામાં આવે છે. રાજકોટનો આ બનાવ સરકાર સજત હત્યાકાંડ છે. ચાર વર્ષ કરતા વધારે સમયથી સરકારની આંખો નીચે ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન ચાલતો હોય, કોઈપણ જાતની બાંધકામની મંજુરી નહિ, ફાયરની એનઓસી લેવામાં આવી ન હોય, લગભગ બે થી ત્રણ હજાર લીટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો સંગહ કરવામાં આવ્યો હોય, તેમ છતાં પણ કોઈની જાણમાં ના હોય, વીજળીના હેવી કનેક્શન આપવામાં આવ્યા હોય, તેમ છતાં નિયમોની અનદેખી કરવામાં આવી, આ તમામ બાબતો કોર્પોરેશન, પોલીસ, કલેકટર કચેરીની અન્ડરમાં આવતા વિભાગોની જવાબદારીમાં આવે છે. તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ, મંજૂરીઓ આપતા પહેલા સ્થળ તપાસ થવી જોઈએ. ગેરકાયદેસર રીતે ચાલતા એકમોની કલેકટર, પોલીસ કમિશનરશ્રી, કોર્પોરેશનના અધિકારીઓ મુલાકાત લે છે તેમછતાં તેને અટકાવવામાં આવતું નથી. બે દિવસ પહેલા જ ત્યાં આગનો બનાવ બનેલ હતો તેની પોલીસને જાણ કરવામાં આવે છે, ફાયરબ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવે છે, તેમછતાં પણ તંત્ર જાગતું નથી, બે દિવસ પહેલા બનેલ બનાવથી તંત્ર જાગ્યું હોત તો ૩૦ કરતા વધારે લોકોના જીવ ન ગયા હોત. જો કમીશન લેવામાંથી, ભ્રષ્ટાચાર કરવામાંથી, તંત્ર બહાર આવ્યું હોત તો લોકોના જીવ બચાવી શકાયા હોત, પરંતુ વારંવાર આવા બનાવો બને છે એની પાછળનું મુખ્ય કારણ છે કે કમલમ સુધી કમીશન પહોંચાડવામાં આવે છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષ વતી અમારી માંગણી છે કે નાના અધિકારીઓ કે સંચાલકો ઉપર એફઆઇઆર નોંધી,આ ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. થોડા લોકોને સસ્પેન્ડ કરી પોતાની જવાબદારીમાંથી હાથ પાછા ખેંચવાને બદલે જે પણ જવાબદાર ઉપરી અધિકારીઓ છે એ કલેકટર હોય, મ્યુનીસીપલ કમિશનર હોય, મેયર હોય, પોલીસ કમિશનર હોય કે બીજા કોઈપણ જવાબદાર અધિકારીઓ હોય એ તમામ સામે પણ એફઆઇઆર નોંધવામાં આવે, તમામ સામે પણ માનવવધનો ગુન્હો નોંધવામાં આવે એવી અમે માંગણી છે . એસઆઇટીની રચના કરવામાં આવી છે એમાં જે રીતે અધિકારીઓ નીમવામાં આવેલ છે તેમાં ચોક્કસ અમને શંકા છે કે, ભ્રષ્ટાચાર ઉપર ઢાંકપિછોડો કરવામાં આવશે. આવા બનાવોના જે જાણકાર છે એવા બિનસરકારી સભ્યોને પણ મુકવામાં આવે અને પોલસની સાથે-સાથે જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે તેઓને પણ ફરિયાદી બનવાની તક આપવામાં આવે જેથી કરીને કોર્ટમાં જયારે કેસ ચાલે ત્યારે અસરગ્રસ્તો પોતાના પક્ષે રજૂઆત કરી શકે.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે મોરબીમાં જયારે બ્રીજ તુટ્યો અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા તેમાં હાઈકોર્ટે પણ એ વખતે ખુબ કડક સ્ટેન્ડ લઈને ઓબ્ઝર્વેશન કરેલ અને નગરપાલિકાને જવાબદાર ઠેરવેલ અને નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવેલ તેમ આ વખતે પણ હાઈકોર્ટે સુઓમોટો કરીને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપેલ છે. રાજકોટના અગ્નિકાંડની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની થાય છે. તો તાત્કાલિક અસર થી રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે અને મેયર અને કમિશનર સામે માનવ વધનો ગુન્હો નોંધવામાં આવે એવી પણ માંગણી કરીએ છીએ.