રાજકોટ-વડોદરામાં ‘જૈના’ક્રોશ:રેલીમાં એક માસના બાળક સાથે દંપતી જોડાયું

  • જૈન અગ્રણીએ રસ્તા પર આળોટીને શેત્રુંજય મહાતીર્થને બચાવવા માગ કરી..

રાજકોટ,

રાજ્યના જૈનબંધુઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આજે રાજકોટ અને વડોદરામાં શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજની મહારેલીનું યોજાઈ હતી. એમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા અને મંદિરમાં તોડફોડ મુદ્દે રેલીમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પાલિતાણામાં પર્વત પર ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

રાજકોટમાં આજે શહેરના મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની એક રેલી નીકળી હતી. આ રેલી દરમિયાન એક માસના બાળક સાથે દંપતી જોડાયું હતું, જ્યારે એક જૈન અગ્રણીએ રસ્તા પર આળોટીને શેત્રુંજય મહાતીર્થને બચાવવાનો પોકાર કર્યો હતો અને મણિયાર દેરાસરથી લઇને કલેકટર કચેરી સુધી રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યો હતો.

રાજકોટ-વડોદરામાં યોજાયેલી રેલીમાં લોકો પોતાની માગણીઓને બેનરમાં લખીને મંત્રોચ્ચાર તથા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સમાજનાં નાનાં બાળકો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી, જેમાં વિવિધ શ્લોકના સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોને પોતાનો અવાજ દેશભરમાં પહોંચાડી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું.

આ અંગે જૈન અગ્રણી વંદિત વોરાએ જણાવ્યું હતું કે ગિરિરાજ પર લોકોએ દબાણ કર્યું છે, ત્યાં અધર્મી લોકોએ ખોટાં કામ શરૂ કરી દીધા છે. તો તે અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. શેત્રુંજય પર કોઈ જ દબાણ ના થાય તથા ત્યાં કોઈ તોડફોડ ના થાય એ માટે અમે આજે રેલી યોજી છે. એ માટે તો આજે હું મારી પત્ની સાથે મારા એક માસના બાળકને લઈને રેલીમાં જોડાયો છું. અન્ય જૈન અગ્રણીએ મીડિયાને જણાવ્યું હતું કે સંમેત શિખરને જે પ્રમાણે પર્યટન સ્થળ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એને અનુલક્ષીને જૈન સમાજમાં ભારે વિરોધ છે. જો ધામક સ્થળને પર્યટન સ્થળ તરીકે વિક્સાવવામાં આવશે તો એની પવિત્રતા જાળવી નહીં શકાય તેમજ રોહીશાળા સ્થિત ભગવાનના પ્રાચીન પગલાને પણ નુક્સાન કરનારાં અસામાજિક તત્ત્વો સામે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, એ અંગે તાત્કાલિક પગલાં ભરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તળેટી વિસ્તારમાં બાબુના દેરાસર આસપાસ જમીન ઉપર થયેલાં દબાણો કરનારા વિરુદ્ધ પગલાં લેવામાં આવે. જૈન સમાજની આસ્થાના કેન્દ્ર સમાન તીર્થસ્થાનોની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓની રહેતાં દારૂના અડ્ડા તેમજ નોનવેજનું વેચાણ થઈ રહ્યું છે, એ બાબતે તાત્કાલિક અસરથી પાબંધી લગાવવામાં આવે.

આ જ પ્રકારે જૈનોના અતિપવિત્ર ગણાતા શેત્રુંજય તીર્થ અને સંમેત શિખર પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે અને તીર્થની પવિત્રતાને ખંડિત કરવા તથા તોડફોડ કરવામાં આવી રહી છે. એના વિરોધ માટે વડોદરા જૈન સમાજના શ્ર્વેતામ્બર દિગંબર સ્થાનકવાસી તથા તેરાપંથી બધાએ ભેગા થઈને વિરાટ રેલી યોજી હતી. એમાં સવારે ૯:૩૦ વાગે માંડવી રોડ શેત્રુંજય તીર્થાવતાર પ્રાસાદ જિનાલયથી નીકળી અમદાવાદી પોળ ટાવર થઈ કલેકટર કચેરીએ પહોંચી હતી.

આ અંગે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પવિત્ર ગિરિરાજની ભયાનક આશાતના અને પર્વતની સમગ્ર ઇકો સિસ્ટમને કાયમ માટે મોટું નુક્સાન પહોંચાડનાર ગેરકાયદે માઇનિંગ, દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ વગેરે ચાલી રહ્યા છે. જમીનમાફિયાઓ અને જૈનવિરોધી સ્થાપિત હિતો અહીં એકઠાં અને એક્ટિવ થઇ રહ્યાં છે. તેને મનાભાઈ ભોપાભાઈ રાઠોડ નામનો શખ્સ લોકોને ઉશ્કેરે છે. મનો તો પાલીતાણા ડોળી કામદાર યુનિયનની સ્થાપના ૨૦૦૧માં થઈ ત્યારથી લઈ આજસુધી એકધારા પ્રમુખપદ પકડી રાખનાર માથાભારે ઈસમ છે. મનાભાઈ અને તેના સાગરીતો મળી ફોરેસ્ટ લેન્ડ પર ગેરકાયદે કબજો કરવાની, જૈનો વિરુદ્ધ સ્થાનિકોને તથા સાધુસંતોને ગેરમાહિતી આપી ભરમાવી ભડકાવવાની, ડોળીવાળાઓને ઉશ્કેરણી કરવાની અને જૈનો વિશે ધિક્કાર ફેલાવવાની પ્રવૃત્તિઓ સતત કરતા રહ્યા છે. શેત્રુંજય તીર્થમાં આ તોડફોડ કરનાર તથા ગેરકાયદે ખનન કરનારને પકડી સરકાર તેમને પાસામાં ફિટ કરી અસામાજિક તત્ત્વોને કાબૂમાં લેવામાં આવે એવી માગણી છે.