રાજકોટ,
રાજકોટ ગ્રામ્ય પોલીસે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષેની ઉજવણી સાથે અનેકને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે ૫૨૦ લીટર દેશી દારૂ, ૫૧૩ બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. ઈંગ્લીશ દારૂના ૧૨ કેસમાં ૧૪ આરોપી ઝડપાયા હતા. ફાર્મ હાઉસો, હોટલો, ગેસ્ટ હાઉસો અને ખાનગીમાં ચાલતી મહેફિલો ઉપર પણ પોલીસની વોચ રહી હતી. સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફર્લો, એએચટીયુ, ટ્રાફિક શાખા વગેરેનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો અને બ્રેથ એનાલાઈઝર દ્વારા શંકાસ્પદ શખ્સોને તપાસવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉજવણીના માહોલમાં છાંટકા બની ફરતા ૭૪ નશાખોર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જણાવ્યા મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સુચના અને માર્ગદર્શન આધારે રાજકોટ એસ.પી. જયપાલસિંહ રાઠોડ દ્વારા થર્ટી ફર્સ્ટ અને ન્યૂ યરની ઉજવણી દરમ્યાન કેટલાક શખ્સો ફાર્મ હાઉસમાં, હોટેલો, ગેસ્ટહાઉસમાં દેશી, વિદેશીદારૂની મહેફીલો કરતાં હોય છે જેના કારણે કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવા બનાવો બનતા હોય છે.
જેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી. પેરોલ ફર્લો તથા એ.એચ.ટી.યુ. તેમજ ટ્રાફીક શાખાના મહતમ સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અલગ-અલગ ટીમો બનાવી ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દેશી દારૂના કબ્જાના તથા કેફી પ્રવાહી પીધેલ તેમજ એમ.વી.એક્ટ ૧૮૫ મુજબના કુલ ૭૪ કેસો શોધી કાઢી જેમાં તમામ આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
જેઓ પાસેથી ૫૨૦ લીટર દેશી દારૂ મળી કુલ રૂ.૧૦૪૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ વિદેશી દારૂના ૧૨ કેસો શોધી કાઢી જેમાં વિદેશી દારૂના ગણનાપાત્ર બે કેસો શોધી કાઢી ૧૪ આરોપી પકડી પાડી જેઓ પાસેથી વિદેશી દારૂની ૫૧૩ બોટલો જેની કિંમત રૂ.૧૯૧૦૫૦ મળી કુલ રૂ.૧૨૪૭૩૮૦ નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો હતો.