- પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યારાઓ બહાર આવતા કોંગ્રેસે તેને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
નવીદિલ્હી,
કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. કોંગ્રેસ તરફથી જલદી પુનઃવિચારઃ અરજી દાખલ કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું કે તે રાજીવ ગાંધી હત્યાકાંડના દોષીતોને છોડવા વિરુદ્ધ પડકારતી નવી સમીક્ષા અરજી દાખલ કરશે. કોંગ્રેસે રાજીવ ગાંધીના હત્યારાઓના જેલમાંથી બહાર આવ્યાના ૧૦ દિવસ બાદ સુપ્રીમના નિર્ણયને પડકારવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યારાઓ બહાર આવતા કોંગ્રેસે તેને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
આ પહેલા તમિલનાડુની જેલમાંથી એક મહિલા સહિત છ લોકોને છોડ્યા બાદ કેન્દ્રએ પણ શુક્રવાર (૧૯ નવેમ્બર) એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી આદેશની સમીક્ષા કરવાનું કહ્યું હતું. કેન્દ્રએ તર્ક આપ્યો હતો કે પર્યાપ્ત સુનાવણી વગર દોષીતોને છોડવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન થયું છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ મામલા સાથે જોડાયેલા અન્ય પક્ષોને સાંભળ્યા વગર દોષીતોને સમય પહેલાં છોડવાનો નિર્ણય આપી દીધો.
ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને દિવંગત રાજીવ ગાંધીના પત્નીએ ચાર દોષીતોની મોતની સજાને ઘટાડવાનું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ રાજીવ ગાંધીની હત્યાના એક આરોપી સાથે મુલાકાત કરી હતી અને તેને મફ કરી દીધો હતો. પરંતુ પાર્ટી નેતૃત્વએ ગાંધી પરિવારથી અસહમતિ વ્યક્ત કરી છે અને આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું હતું કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીના બાકી હત્યારાઓને છોડવાનો નિર્ણય સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય અને ખોટો છે.
મે ૧૯૯૧માં તમિલનાડુના શ્રીપેરંબુદૂરમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી પ્રચાર દરમિયાન એક આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં સાત લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દોષીતોને છોડવાનો ચુકાદો આપતા કહ્યું હતું કે કેદીઓના સારા વ્યવહાર અને મામલામાં દોષી ઠેરવવામાં આવેલા અન્ય એક વ્યક્તિ એજી પેરારિવલનને મે મહિનામાં છોડવાના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ધરપકડ સમયે તે ૧૯ વર્ષનો હતો અને ૩૦ કરતા વધુ વર્ષ જેલમાં રહ્યો હતો.