- ઉશ્કેરવાની કોઈપણ અભિવ્યક્તિ પર ચોક્કસપણે વિશેષ કાયદાઓ અને આતંકવાદ વિરોધી કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
નવીદિલ્હી, લૉ કમિશન (કાયદા પંચ) એ કેન્દ્ર સરકારને રાજદ્રોહ કાયદા પર પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. તેમનું કહેવું છે કે રાજદ્રોહનો સામનો કરવા માટે આઇપીસીની કલમ ૧૨૪છ જાળવી રાખવાની જરૂર છે. જો કે, અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે જોગવાઈના ઉપયોગ અંગે વધુ સ્પષ્ટતા આપવા માટે કેટલાક સુધારા કરવામાં આવી શકે છે.
સરકારને સુપરત કરાયેલા રિપોર્ટમાં કમિશને કહ્યું કે કલમ ૧૨૪એના દુરુપયોગ અંગેના મંતવ્યોને ધ્યાનમાં લઈને તેને રોકવા માટે કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જારી કરવાની ભલામણ કરવામાં આવે છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને લખેલા તેમના કવરિંગ લેટરમાં ૨૨મા કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી (નિવૃત્ત)એ પણ કેટલાક સૂચનો આપ્યા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે આઇપીસીની કલમ ૧૨૪એ જેવી જોગવાઈની ગેરહાજરીમાં, સરકાર સામે રમખાણો માટે ઉશ્કેરવાની કોઈપણ અભિવ્યક્તિ પર ચોક્કસપણે વિશેષ કાયદાઓ અને આતંકવાદ વિરોધી કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં આરોપીઓ સાથે વ્યવહાર કરવા માટે ઘણી વધુ કડક જોગવાઈઓ છે. . રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તમામ દેશો પોતાની સ્થિતિ જોઈને નિર્ણય લે છે. તેથી,આઇપીસીની કલમ ૧૨૪છને માત્ર આ આધાર પર રદ કરવું કે કેટલાક દેશોએ કર્યું છે તે યોગ્ય નથી કારણ કે આમ કરવું એ ભારતમાં જમીની વાસ્તવિક્તા તરફ આંખ આડા કાન કરવા જેવું હશે.
ભારતીય સંઘે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે તે કલમ ૧૨૪એની ફરીથી તપાસ કરી રહી છે અને કોર્ટ આમ કરવામાં પોતાનો સમય બગાડે નહીં. તદનુસાર, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને કલમ ૧૨૪છ ના સંદર્ભમાં ચાલી રહેલી તમામ તપાસને સ્થગિત કરતી વખતે કોઈપણ એફઆઈઆર નોંધવા અથવા કોઈપણ બળજબરીભર્યા પગલાં લેવાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. વધુમાં, તેણે તમામ પેન્ડિંગ ટ્રાયલ, અપીલ અને કાર્યવાહીને સ્થગિત રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને રદ્દ કરવાથી દેશની અખંડિતતા અને સુરક્ષા પર અસર પડી શકે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રાજદ્રોહનો ગુનો બ્રિટિશ યુગ પર આધારિત વસાહતી વારસો છે જેમાં તે ઘડવામાં આવ્યો હતો. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સામે તેના ઉપયોગના ઇતિહાસને જોતાં આ ખાસ કરીને સાચું છે, પરંતુ ભારતીય કાયદાકીય વ્યવસ્થાનું સમગ્ર માળખું સંસ્થાનવાદી વારસો છે.
કેન્દ્ર સરકાર રાજદ્રોહ કાયદામાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. સંસદના ચોમાસુ સત્રમાં પણ આ અંગે પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. કેન્દ્રએ ૧ મેના રોજ સુપ્રીમ કોર્ટમાં પણ આ અંગે માહિતી આપી હતી. સરકારનું કહેવું છે કે ૧૨૪છની સમીક્ષાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં રાજદ્રોહ કાયદાને સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટે રાજ્ય સરકારોને કહ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદા અંગેની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જોગવાઈ હેઠળની તમામ પેન્ડિંગ કાર્યવાહીમાં તપાસ ચાલુ ન રાખો. પેન્ડિંગ કેસો પર યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ.